ગુજરાતસુરત

વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરત મનપા અને ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરત મહાનગરપાલિકા, ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત માટે ગુજરાત’ અને ‘વિકસિત ગુજરાત માટે સુરત’ નેતૃત્વ લેશે. રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે. વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે.

મુખ્યમંત્રી સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સનું પણ લોકાર્પણ કર્યું હતું.

સુરતમાં વધી રહેલી વસ્તી અને ટ્રાફિકના કારણે માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધી છે, ત્યારે શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ, સુદ્રઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મનપા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.

સુરતના અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે રાજય સરકારની પ્રાથમિકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ ધ્યેયમંત્રને સાકાર કરવાની નેમ સાથે આપણા ગૌરવશાળી વારસાનું જતન કરવા ઉપરાંત ‘ઈઝ ઓફ લિવિંગ’ અને વિકાસને પણ તેજ ગતિ આપી છે.

પાણી અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સ્વચ્છતા જાળવવા કર્તવ્યનિષ્ઠ બનીએ એમ ભારપૂર્વક જણાવી મુખ્યમંત્રીશ્રીએ સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારના કોઈપણ કાર્યમાં જનભાગીદારીથી વિકાસકાર્યો દીપી ઉઠે છે. સુરતે જનભાગીદારીથી વિકાસને નવી ઉંચાઈ બક્ષી છે. આગામી પ્રજાસત્તાક પર્વના સંદર્ભે તેમણે કહ્યું કે, આઝાદીના સમયમાં દેશ માટે મરવાના આહ્વાન થતા હતા, પરંતુ હવે આપણે આઝાદ અને પ્રજાસત્તાક રાષ્ટ્રમાં જીવીએ છીએ ત્યારે દેશને ઉપયોગી બની દેશ માટે જીવવાનું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button