શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિ તથા ગુણાનુવાદ આયોજાયા
સુરત- વેસુના નવનિર્મિત આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના હોલમાં જિનશાસન સમર્પિત, કર્મઠ કાર્યકર એવા શ્રી સુરેશભાઈ દેવચંદ શાહની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સભા આયોજિત કરાઇ હતી. સવારે સ્નાત્ર- શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની ભક્તિ બાદ શનિવારે 10 વાગ્યે સભા પ્રાર્ભાઈ હતી. કાંકરેજ સમાજના વિવિધ આગેવાનો સાથે સમાજ ઉપસ્થિત થયો હતો.
શાસનસમર્પિત કરી વિવિધ સમુદાયના ગચ્છાધિપતિશ્રી, આચાર્યવરોના અંગતશ્રાવક તરીકેનું સૌભાગ્ય પામી સાથે સમાજ- સંઘ તથા રાજકાજમાં જોડાઇ રાજ્ય- રાષ્ટ્રના હિતના અનેક કાર્યો આ પુણ્યશાળી દ્વારા કરાયા હતા. આથી તો આ સભામાં આચાર્યશ્રીઓ પણ પધાર્યા હતા. પ્રારંભમાં વેસુ- ઉપાશ્રયના પ્રેરણાદાતા પૂ. આ. સાગરચંદ્રસાગરસૂરિજીએ સુરેશભાઈના 35 વર્ષ જૂના ભૂતકાળથી આરંભી બનાસકાંઠાના પ્રભારી બની સી. આર. પાટીલ, તથા આગળ વધી મોદી સુધીના સંપર્કોની સફળતાની યાત્રાને બખૂબી વર્ણવી હતી. રાષ્ટ્રસંત પૂ. આ. ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી, પૂ. આ. જિતરત્નસાગરસૂરિજી, પૂ. આ. પૂર્ણચંદ્રસાગરસૂ.મ.સા. આદિ પૂજ્યો પધાર્યા હતા. સૌએ મુક્તમને સુરેશભાઈના કાર્યોને વખાણ્યા હતા.
આ. ધાનેરા ભવનના ટ્રસ્ટીગણો, કાંકરેજ સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના આગેવાનો તથા કીર્તિસિંહ વાઘેલા વગેરે અગ્રણી પધાર્યા હતા. સુરેશભાઈની અણધારી વિદાયથી માત્ર પત્ની અવનિબેન, પુત્ર સ્પર્શ, દીકરી સ્તુતિ મ.સા. તથા ભાવેશભાઈ વગેરે સ્વજનોમાં શોકની લાગણી છવાઈ હતી. ધર્મકાર્યો કોરોનાકાળમાં લોકસેવા, સમાજ સેવા, રાજકારણમાં સક્રિયતા, અનેક સંસ્થામાં ટ્રસ્ટીપદ વગેરેથી ધર્મવીર, કર્મવીર એવા સુરેશભાઈ સદા લોકહૈયામાં જીવંત રહ્યા છે.