શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા 50 હજાર બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટ વિતરણ
સુરત : યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરીત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત છેલ્લા ત્રણ દાયકાથી અખંડ, અવિરત અને ઐતિહાસિક સેવાકીય કાર્યો કરી રહી છે. અનુકંપાદાન, જીવદયાદાન અને સાધર્મિક ભક્તિ ક્ષેત્રે સંસ્થા અજોડ કાર્ય કરી રહી છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરતનો એક પણ નાગરિક ભૂખ્યો ન રહે તેવા હેતુથી દરરોજના 2000થી વધારે ભૂખ્યાજનોની જઠરાગ્નિ ને શાંત કરી રહી છે. આજ સંસ્થા 5 વર્ષથી સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સમગ્ર વર્ષ સુધી ચાલે તેટલી સ્ટેશનરી વિનામૂલ્યે કિટ વિતરણ કરી એક ઇતિહાસનું સર્જન કર્યું.
વર્ષ 2012માં 300થી વધારે નગર પ્રાથમિક શાળામાં ભણતા 80000થી વધારે બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટ વિતરણ કરવામાં આવેલ હતું. એવી જ રીતે વર્ષ 2013માં 300થી વધારે સ્કૂલોમાં બે લાખ થી વધારે બાળકોને, વર્ષ 2022માં 105થી વધારે સ્કૂલોમાં 55000થી વધારે બાળકોને, વર્ષ 2023માં 120 સ્કૂલોમાં 60,000થી વધારે બાળકોને અને વર્ષ 2024માં 110 સ્કૂલોમાં 50000થી વધારે બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ કરેલ છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા લાખો બાળકોને સ્ટેશનરી કિટ વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યમાં ઘણી સેવાભાવી જૈન સંસ્થાઓ તેમજ 1000થી વધુ કાર્યકર્તા સેવા આપી રહ્યા છે.
આ વર્ષે સંસ્થા દ્વારા ડાંગ જીલ્લાની આદિવાસી સ્કૂલોના હજારો બાળકોને તેમજ સુરતથી અમદાવાદ રૂટ ઉપર જે સ્કૂલોમાં જૈન શ્રમણ-શ્રમણી ભગવંતો રોકાય છે એવી વિહારધામ સ્કૂલોના બાળકોને પણ આ સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવેલ હતું. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા સુરતમાં આવેલ શ્રી રત્નસાગરજી જૈન સ્કૂલ કે જેના પ્રણેતા સંઘ સ્થવીર, વચનસિદ્ધ શ્રી સિદ્ધસૂરીશ્વરજી મહારાજા છે તે સ્કૂલમાં ભણતા તમામ જૈન વિદ્યાર્થીઓની સ્કૂલ ફી સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે. તેમજ અન્ય સાધર્મિક પરિવારોને દેવગુરુની અસીમ કૃપાથી સંસ્થા દ્વારા આવા સેવાકીય કાર્યોની દર વર્ષે વૃદ્ધિ થાય છે.