કરૂણામૂર્તિ પ્રભુ મહાવીર સ્વામીજીની જન્મ ઉજવણી ઉલ્લાસભેર થઈ
સુરતઃ રામવિહાર શ્રી વેસુ તપાગચ્છ જૈન સંઘ શાંતાપ્રભા-કમળાબા આરાધના ભવનમાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ રાજહંસસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે કરૂણામૂર્તિ પ્રભુ મહાવીર સ્વામીજીની જન્મ ઉજવણી ઉલ્લાસભેર થઈ હતી. માતા ત્રિશલા દેવીને આવેલ ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન કરવા સેંકડો ભાવુકો પધાર્યા હતાં.રજતના પારણીયામાં પ્રભુને પધરાવીને હર્ષભેર ઝુલાવ્યાં હતાં. “ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી” નારાથી વિશાળ રંગમંડપ ગુંજી ઉઠયો હતો. મહાવીરપ્રભુના જન્મ વાંચનનો પ્રસંગ સંગીતના સથવારે રંગે ચંગે ઉજવાયો હતો.
આ પાવન પ્રસંગે હકડે ઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. વર્ષમાં બે દિવસ જૈન શાસનમાં એવા આવે છે કે જેમાં દરેક ઉપાશ્રયો હાઉસફુલ થઈ જતા હોય છે. માતા ત્રિશલાએ જોયેલા ચૌદ સ્વપ્નને ઝુલાવામાં આવ્યા હતા પ્રભુ મહાવીરદેવના જન્મવાંચન સમયે અને સંવત્સરીના દિવસે જૈનોના પ્રત્યેક પરિવારમાં ભેગા થતા હોય છે. પ્રભુના જન્મદિવસનાંવાંચન સમયે જૈનો ધનની મૂર્ચ્છા ઉતારવા માટે લાખો રૂપિયાની ઉછામણી બોલીને લાભ લેતા હોય છે.