નવી દિલ્હી ખાતે DGVCLને ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ના એવોર્ડથી સન્માનિત કરાઈ
વીજસેવાઓમાં ગ્રાહકલક્ષી નવતર અભિગમ તેમજ વ્યવસાય સંબંધી પાસાઓમાં શ્રેષ્ઠતા માટે મળ્યો એવોર્ડ

સુરત: નવી દિલ્હીના યશોભૂમિ, દ્વારકા ખાતે યોજાયેલા ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCLને વીજસેવાઓમાં ગ્રાહકલક્ષી નવતર અભિગમ તેમજ વ્યવસાય અને તેના સબંધિત પાસાઓમાં શ્રેષ્ઠતા માટે “સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર” ના બહુમૂલ્ય પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી.પાવરજેન ઈન્ડિયા, ઈંડીયન યુટિલિટી વીક અને ભારત ઇલેક્ટ્રિસિટી દ્વારા આયોજિત પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સમાં DGVCL ના મુખ્ય ઇજનેર એમ. જી. સુરતી અને નાયબ ઇજનેર જે. એમ. ચાવડાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
DGVCLના મેનેજિંગ ડિરેક્ટરશ્રી યોગેશ ચૌધરી (IAS)ના માર્ગદર્શન હેઠળ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેમજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા વાપી, સુરત, અંકલેશ્વર, દહેજ, ભરુચ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સતત વધતી જતી વીજ માંગને પૂરી પાડવા માટે કંપનીના તમામ અધિકારી-કર્મચારીઓ હંમેશા કાર્યશીલ રહે છે. તેના માટે નેટવર્કનું સુદ્રઢીકરણ અને નવીનીકરણ તેમજ અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને ઇલેક્ટ્રીક માળખાનો સતત વિસ્તાર જેવા વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપદાઓમાં પણ કંપનીના કર્મચારીઓ સતત કાર્યરત રહી વિકટ અને પડકારજનક પરિસ્થિતીઓમાં પણ વીજ પુરવઠો કાર્યરત કરવાનું કાર્ય કરે છે.
આ સિદ્ધિ બદલ કંપનીના તમામ અધિકારી-કર્મચારીઓને શ્રી ચૌધરીએ અભિનંદન પાઠવી વીજગ્રાહકોનો પણ આભાર માન્યો હતો.