મોહ સાંસારિક માર્ગ છે જ્યારે નિર્મોહ મોક્ષનો માર્ગ છે: આચાર્ય મહાશ્રમણ
મોહનો ત્યાગ કરનાર વીર હોય છે

સુરત (ગુજરાત): અશ્વિન માસની શુક્લપક્ષ એ શક્તિની ઉપાસના કરવાનો અદ્ભુભુત અવસર છે. તેથી જ ભારતની દરેક સંસ્કૃતિના લોકો શક્તિની ઉપાસનામાં વ્યસ્ત છે. દેશના જુદા જુદા ભાગોમાં શક્તિની આરાધનાનું સ્વરૂપ ભલે અલગ-અલગ હોય, પરંતુ દરેકની ભક્તિ-ભાવના અજોડ હોય છે. આ શક્તિની ઉપાસનામાં સુરત શહેરમાં ચાતુર્માસ કરી રહેલા અહિંસા યાત્રાના પ્રણેતા અને તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણજીની મંગળ હાજરીમા દરરોજ હજારો ભાવિકો આધ્યાત્મિક અનુષ્ઠાનમાં જોડાય છે. આચાર્યશ્રી પોતે આગમના સૂત્રોનું જપ અનુષ્ઠાન પ્રવચન પૂર્વે કરાવે છે. સમગ્ર વિશ્વમા લોકો પોતપોતાની રીતે શક્તિની આરાધના કરે છે , તો બીજી તરફ ગુજરાતભરમાં લોકો ગરબા વગેરે દ્વારા પણ આ શક્તિની આરાધનામા જોડાય છે.
અનુષ્ઠાનના ક્રમ બાદ શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીએ ‘આયારો’ આગમના આધારે પ્રવચન આપતા કહ્યું કે જે માણસ પોતાની આંતરિક આસક્તિઓને જીતવામાં સક્ષમ છે અને મોહ પર વિજય મેળવે છે , તે વીર પુરુષ આ સંસાર રૂપી ભવ સાગર પાર કરીને મોક્ષના માર્ગ પર આગળ વધી શકે છે. સોનું, ચાંદી વગેરે પદાર્થ છે, મા-બાપ વગેરે પરિવારના સભ્યો છે, તેમના પ્રત્યે મોહ અથવા સ્નેહની લાગણી હોય એ જ સંસાર છે. એક બાજુ સંસાર છે અને બીજી બાજુ મોક્ષનો માર્ગ છે. આસક્તિ અને મોહની અનુભૂતિ એ સંસારનો માર્ગ છે . મોહ અને આસક્તિમાંથી મુક્તિ એ મોક્ષનો માર્ગ છે. વીર પુરુષ અનાસકતીના માર્ગ પર ચાલે છે અને મોક્ષ તરફ આગળ વધે છે. જેઓ આસક્તિમાં રહે છે, કુટુંબના મોહ અને મમતામા લીન થઈ જાય છે, તેઓ સંસારના માર્ગે ચાલતા રહે છે.
મોક્ષના માર્ગ પર ચાલવા માટે મોહનો ત્યાગ કરવો પડે છે. મોહનો આખો પરિવાર છે. ક્રોધ, અહંકાર, મમતા, આસક્તિ, દ્વેષ, વાસના વગેરે મોહના કુટુંબીજનો છે. પરિગ્રહ નો ત્યાગ કરવો એ વીરતા છે. કેટલાય લોકો સાધુ બને છે. જો આપણે ઈતિહાસ કે અગાઉના સમયગાળા પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકોએ સંતત્વ પ્રાપ્ત કર્યું છે. આપણા ધર્મસંઘ પર જ નજર કરીએ તો પરમ પૂજનીય આચાર્યશ્રી તુલસી તેમના જીવનના બારમા વર્ષમાં સાધુ બની ગયા હતા. સંસારની તમામ સુખ સુવિધાઓ પર વિજય મેળવી આગળ વધવું એ સંતત્વની નિશાની છે. આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી તેમના અગિયારમા વર્ષે જ સંત બન્યા હતા. સાધુએ પોતાની અંદરના તમામ સંબંધોથી પર રહેવું જોઈએ. આસક્તિ અને મોહથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આચાર્યશ્રીના મંગળ પ્રવચન બાદ સાધ્વીવર્યા સંબુદ્ધ્યાશાજીએ શ્રોતાઓને સંબોધન કર્યું હતું.