
સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા એ છેલ્લા બે વર્ષમાં વિવિધ કાર્યો સાથે ૫૦૦ સ્થાનિક આદિવાસી મહિલોનું એક મજબૂત નેટવર્ક બનાવ્યું છે, એમના સ્વસહાય જૂથ બનાવીને નોંધણી પણ કરાવી છે. આ મહિલાઓ બચત અને બીજી નાની પ્રવૃતિઓ કરે છે. આ આદિવાસી મહિલાઓમાં પોતાની આજીવિકા વધારવાની જિજીવિષા જોઈને અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહ દ્વારા આજે આઠમા નોરતે બહેનોની આજીવિકા વધે એ માટે મહિલાઓ દ્વારા સંચાલિત એક સંગઠન બનાવવાની જાહેરાત કરી છે.
ઉમરપાડાની આદિવાસી મહિલાઓ સાથે ગરબા રમ્યા બાદ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિબેન શાહએ જાહેરાત કરી હતી કે, અદાણી ફાઉન્ડેશન મહિલાઓ દ્વારા સંચાલિત સંગઠન બનાવશે જેનો ઉદ્દેશ આ મહિલોની આજીવિકા વધારવાનો હશે. આ સંગઠન કૃષિ ઉત્પાદનોની સાથે જ સ્થાનિક અથાણાં અને પાપડ વગેરેનું ઉત્પાદન કરશે અને યોગ્ય જગ્યાએ એનું વેચાણ કરશે.
ઉમરપાડાની 500 મહિલાઓને શિયાળા અને ઉનાળામાં કિચન ગાર્ડનની તાલીમ સાથે બિયારણ અને ખાતરની કીટ પણ આપવામાં આવી હતી. સંગઠન બનાવવાની પ્રક્રિયા શરૂ કર્યા બાદ આ મહિલાઓને પોતાના ઉત્પાદનની ગુણવત્તા વધારવા, પેકેજિંગ અને બ્રાન્ડિંગ જેવી તાલીમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરસેટી સાથે મળીને આપવામાં આવશે. આ સંગઠન નું સંચાલન અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
ખેતી અને પશુપાલન અહીની મહિલાઓનો મુખ્ય વ્યવસાય છે. પણ ખેત પેદાશોના સારા અને ખરા ભાવ નથી મળતા, એના માટે સંગઠન ને પેકિંગ, ક્લીનિંગ અને ગ્રેડિંગની તાલીમ આપી, જરૂરી મશીનરીની સહાય કરી, કઠોળ અને મકાઈના બજાર ભાવમાં 25% નો વધારો મળે તેવા પ્રયત્નો થશે. આ જ રીતે પશુપાલન અંગે ડેરી સાથેનું સંકલન વધુ મજબૂત બનાવી, પશુરોગ અંગે રસીકરણની સમજ અને અમલ થાય તે માટે તાલીમ આપવામાં આવશે. સૌર્ય ઉર્જાનો ઉપયોગ ખેતી અને ઘર માટે થાય એના પ્રોત્સાહન માટે મહિલા સંગઠન અને અદાણી ફાઉન્ડેશન મળીને પ્રયત્ન કરશે.