બાળકને શેતાન નહીં, પણ મહાન બનાવો હોય તો માતા-પિતા બાળકને માત્ર સંપત્તિ નહીં સંસ્કાર આપે: આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ
સુરત : શ્રી અઠવાલાઇન્સ જૈન સંઘના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી મહારાજા, પૂ. પં. વિમલહંસ વિ. મ. સાહેબના નિશ્રામાં ધર્મસભાનું સરસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પૂજ્ય શ્રી એ ફરમાવ્યું કે દુનિયામાં આજે સૌથી વધારે જરૂરિયાત બાળકોને સંસ્કાર આપવાની છે જો તમે તમારા બાળકને સંસ્કાર આપી શકતા નથી તો તમારી ભાવિ ખૂબ જ ખતરનાક છે. આજના માતા પિતા યુવાનીમાં પોતાની દુનિયામાં મસ્ત રહે છે અને બાળકને મોબાઇલનાં ભરોસે મૂકી દે છે.
લગ્ન પછીના 10-12 વર્ષ સુધી બાળક પર ધ્યાન આપતા નથી અને જ્યારે પુત્રના કુલક્ષણો દેખાવા લાગે છે ત્યારે તેમની આંખો ઉઘડે છે અને ત્યારબાદ તેને સારા રસ્તા પર લાવવા માટેના પ્રયત્ન ચાલુ થઈ જાય છે. પણ ત્યારે તે બાળકનું માનસ મોબાઇલ ટીવી ખરાબ મિત્રો ના કારણે એટલું બગડી ગયું હોય છે કે હવે તેને સુધારી શકાય એવી શક્યતા નહિવત રહે છે અને પછી રોજે રોજ પુત્રને ટોક ટોક કરવાનું શરૂ થઈ જાય છે ખરેખર તો માતા-પિતા બાળકને જન્મ શા માટે આપે છે તે ખબર જ નથી?
અનંત પુણ્ય ભેગું થાય ત્યારે કોઈ જીવને મનુષ્ય ભવ મળે તેમાં આર્ય દેશમાં જન્મ મળે છે હવે તમારા ઘરમાં જન્મેલા આવા મહાપુણ્યશાળી બાળકને ફરી મનુષ્ય ભવ અને આર્ય કુળ પ્રાપ્ત થાય અને ત્યાંથી સાધનાથી મોક્ષમાર્ગ જઈ શકે એવા સંસ્કારો આપણે આભવમાં શું આપીએ છીએ? જવાબ છે ના; ઊલટું આજના માતા-પિતા બાળકના શરીરની ચિંતા કરે છે આભવમાં સુખી કેવી રીતે બને તેના પ્રયત્નો કરે છે પણ તેના આત્મા અને પરલોકની ચિંતા કરનારા બનતા નથી. જન્મ થી જ બાળકને 1) સમય આપો, માત્ર સંપત્તિ નહીં 2) પ્રેમ આપો, તિરસ્કાર નહીં 3) સંસ્કાર આપો, માત્ર સુવિધા નહીં. પછી જુઓ તે બાળક શિવાજી મહારાજા- મહારાણા પ્રતાપ- ચંદ્રશેખર આઝાદ- સંપ્રતિ મહારાજા બન્યા વગર નહીં રહે.