પૈસો, પદ અને પ્રતિષ્ઠાનો લોભ પતનનું કારણ બને છે: આચાર્ય મહાશ્રમણ
આયારો આગમ આધારિત પ્રવચનમાળામાં બતાવ્યો સુખમય જીવનનો માર્ગ
ડાયમંડ નગરી સુરતમાં ચાતુર્માસ કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય મહાશ્રમણજીએ મહાવીર સમવસરણ મા ઉપસ્થિત શ્રાવક સમુદાયને આયારો આગમ ના આધારે સુખમય જીવનનો માર્ગ બતાવતા જણાવ્યું હતું કે, જે ગુણ છે, તે મૂળ સ્થાન છે અને મૂળ સ્થાન છે તે ગુણ છે. ઇન્દ્રિયોના પદાર્થોને ગુણ કહેવાય છે.
શ્રોતેન્દ્રિય નો વિષય શબ્દ છે, ગંધ એ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, રસ એ રસનેન્દ્રિય નો વિષય છે, રૂપ એ દર્શનેન્દ્રિય નો વિષય છે , અને સ્પર્શ એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. માણસને પાંચ જ્ઞાનેન્દ્રિય હોય છે. તેવી જ રીતે પાંચ કર્મેન્દ્રિયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. માણસ કાન વડે સાંભળે છે, આંખથી જુએ છે, જીભથી ચાખે છે અને ચામડીથી સ્પર્શે છે. આ રીતે, પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો અને પોતાનો વ્યવસાય છે.
ઇન્દ્રિયોના આ પદાર્થો લોભનું કારણ બને છે. જીવને આ પાંચ વિષયો પ્રત્યે આકર્ષણ, આસક્તિ અને લોભ હોય છે. લોભ ને કષાય નો ચોથું અંગ માનવામાં આવે છે . લોભ એ મોહનીય કર્મ ના પરિવારનો સભ્ય છે. મોહનીય કર્મ જ વ્યક્તિને પાપી પ્રવૃત્તિઓ સાથે જોડે છે. લોભ દસમા ગુણસ્થાન સુધી રહે છે.
ગૃહસ્થો ને પૈસાનો લોભ હોય છે, સમાજમાં માન-સન્માન અને ઉચ્ચ સ્થાનની માંગ પણ એક પ્રકારની લોભની ચેતનાનું જ પરિણામ છે. આ લોભથી પ્રભાવિત થઈને વ્યક્તિ કેટલાંક અકરણીય કામ પણ કરી શકે છે. લોભને લીધે વ્યક્તિ હિંસા કરી શકે છે અને જુઠું પણ બોલી શકે છે. માણસે બને તેટલો લોભ ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સંતોષની ચેતના જાગૃત થાય તો માણસ લોભથી બચી શકે છે. સાધ્વીવર્યા સંબુધ્યશાજીએ પણ જનમેદનીને સંબોધન કર્યું હતું. કુમારી પ્રિયા સોનીએ ચૌબીસી ગીત ગાયું હતું.