સ્વયં અભય બનો અને બીજાને પણ અભયદાન આપવાનો પ્રયાસ કરો – આચાર્ય મહાશ્રમણ
સમસ્યાનો કાયમી ઉકેલ યુદ્ધ દ્વારા નહીં આવે વાતચીત અને ચર્ચા દ્વારા જ આવી શકે - આચાર્ય મહાશ્રમણ
સુરત (ગુજરાત): મહાવીર સમવસરણ નો વિશાળ અને ભવ્ય પંડાલ આજે રવિવારીય કાર્યક્રમ હોઈ ઉપસ્થિત શ્રધ્ધાળુ જનમેદનીથી ખીચોખીચ ભરાયેલો હતો. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના અગિયારમા આચાર્ય અને અખંડ પરિવ્રાજક આચાર્યશ્રી મહાશ્રમણજી, જે લોકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે સતત જ્ઞાનની ગંગા વહાવી રહ્યા છે, તેમના મંગળ પ્રવેશ સાથે જ સમગ્ર વિશાળ મહાવીર સમવસરણ જૈન શાસનના જયનાદ થી ગુંજી ઉઠ્યો હતો .
સાધ્વીપ્રમુખા વિશ્રુતવિભાજીએ સૌપ્રથમ ઉપસ્થિત જનતાને સંબોધન કર્યું હતું.
અધ્યાત્મવાદી આચાર્યશ્રી મહાશ્રમણજીએ આયારો આગમ દ્વારા મંગળ ઉદ્બોધન આપતા કહ્યું કે માણસ જીવન જીવે છે. સામાન્ય રીતે માણસને નિર્ભય રહેવાની લાગણી કે આકાંક્ષા હોય છે. પ્રશ્ન થાય કે માણસને શેનો ડર લાગે છે? જવાબ છે કે માણસના ભયનું મૂળ દુ:ખ છે. કોઈપણ માણસ દુઃખ ઇચ્છતો નથી. તે બીમારી, અપમાન, ચોરી, લૂંટ અને ક્યારેક પોતાના જીવનની સલામતી માટે ડરે છે. માણસ મુખ્યત્વે દુ:ખથી ડરે છે. આગમમા કહેવામાં આવ્યું છે કે મનુષ્ય સહિત દરેક જીવ ભય મુક્ત જીવન જીવવા ઇચ્છે છે. હકીકતે અહિંસાનું સૂત્ર છે અભય. માણસે પોતે અભય રહેવાનો અને બીજાને પણ અભયદાન આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
દુનિયાનો સૌથી સુખી માણસ એ છે જેણે ડર પર વિજય મેળવ્યો છે. માણસે ન તો પોતે ડરવું જોઈએ અને ન બીજાને ડરાવવાની કોશિશ કરવી જોઈએ . જીવનમાં સફળ થવું હોય તો ઈંટનો જવાબ પથ્થરથી નહીં પણ ફુલોથી આપવો જોઈએ. જ્યારે બીમારી, દુઃખ અથવા મૃત્યુનો સામનો કરવો પડે , ત્યારે પણ વ્યક્તિએ સમતા અને શાંતિ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જીવોને રક્ષણ આપવું એટલે કે અભયદાન આપવું એ દાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. આગમમા કહેવામાં આવ્યું છે કે જો તમામ જીવો નિર્ભયતા ઈચ્છે છે તો માણસે જીવો પ્રત્યે કોઈપણ પ્રકારની હિંસા ન આચરવી જોઈએ.
આચાર્યશ્રીએ ‘પરસ્પરોપગ્રહોજીવાનામ ‘ ની ચર્ચા કરતાં કહ્યું કે તે પારિવારિક અને સામુદાયિક જીવનનું મહત્ત્વનું સૂત્ર બની શકે છે. માણસે એકબીજાને સહકાર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. માણસે પરસ્પર સહકારની ભાવનાથી જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ.
આચાર્યશ્રી એ વધુમાં જણાવ્યું વર્તમાન વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થઈ રહ્યા છે. યુદ્ધ એ સમસ્યાનો કાયમી ઉકેલ નથી. સમસ્યાના કાયમી ઉકેલ માટે પરસ્પર વાતચીત કરવી જોઈએ. એક વખત વાતચીત કરો સફળતા ન મળે તો ફરી પાછી બીજી વખત વાતચીત કરો. ત્રીજી વખત વાતચીત કરો. ચર્ચાનો દોર ચાલતો રહેશે તો ક્યારેક સફળતા જરૂર મળશે.