સુરત

સુરત પોલીસ આગામી ૪૫ દિવસ સુધી ટ્રાફિક સલામતીની જાગૃતિ માટે ‘હેલ્મેટ ડ્રાઈવ’ ચલાવશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંકલનની બેઠક મળી

સુરત : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે ટ્રાફિક સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રીએ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા ઠેરઠેર થઈ રહેલા દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં અધ્યક્ષે રોડ એન્જિનિયરિંગ પ્લાન, ટ્રાફિક સિગ્નલ, સુરતમાં ભળેલ નવા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવી કેમેરા લગાડવા, અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક પોસ્ટ શોધી તેને દુર કરવા, સર્કલ નાના અથવા દૂર કરવા, સિગ્નલ સીંક્રોનાઈઝેશન, રીક્ષા સ્ટેન્ડ નિર્ધારીત કરવા, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોનું સઘન ચેકિંગ તેમજ માર્ગ સલામતિ માટે જનજાગૃતિ લાવવાના ટ્રાફિક નિયમો તથા કાયદા સબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિગતે માર્ગદર્શન આપ્યું હતું.

ગૃહરાજયમંત્રીએ કહ્યું હતું કે, લોકોની સલામતી માટે તાઃ૧લી જાન્યુઆરીથી ૪૫ દિવસ સુધી રોડ-રસ્તા, શાળા, કોલેજ સહિત માર્કેટ વિસ્તારમાં હેલ્મેટની જાગૃતિ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, આ સાથે ટ્રાફિક વ્યવસ્થામાં સિગ્નલનું પાલન ન કરનારા અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. સ્વચ્છ સુંધડ એવા સુરતના રોડ-રસ્તા સહિત બ્રિજો પર પાન-માવા ખાઈને થુંકનારાઓના ફોટાઓ સહિતની વિગતો સુરત મનપા પાસેથી મેળવીને પોલીસ વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ખાસ કરીને સુરતમાં મેટ્રો રેલ્વેના બેરિકેટીંગ હટાવવા અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો કાયમી નિરાકરણ લાવવાની સુચના આપી હતી.આ બેઠકમાં પોલીસ કમિશ્નરે માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો અંગે જરૂરી સુચનો કર્યા હતા.

બેઠકમાં મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, સુરત મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, શાસકપક્ષ નેતા, શશીબેન ત્રિપાઠી, પોલીસ વિભાગના અધિકારી, RTO સહિત મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button