ગુજરાતસુરત

દેશનું પ્લાસ્ટિક રિસાઇક્લિંગ મોડેલ એટલે સુરત: છેલ્લા આઠ વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને પુન:ઉપયોગ કર્યો

જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ

 સુરત: ‘દરેક માણસ પ્રકૃતિને માતા સમાન માનતો હોય, દરેક ઘર આગળ એક વૃક્ષ હોય, દરેક બાળક કાપડની થેલીમાં ઈકોફ્રેન્ડલી લંચબોક્સ અને પાણીની બોટલ રાખતો હોય, હવા શુદ્ધ હોય, પ્રાણી-પક્ષીઓ, જંગલો, નદીઓ, પહાડો પ્રકૃતિના આનંદથી મહેંકતા હોય’ આવી કલ્પના ત્યારે જ વાસ્તવિકતા બને જ્યારે પર્યાવરણનું રક્ષણ આપણો સ્વભાવ, જીવનધારા, સંસ્કૃતિ અને ઉત્સવ બને. લોકો જાહેરમાં કચરો ન નાખે, પણ રિસાયકલ પોઇન્ટ પર મૂકે. પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણ, કાપડની થેલી અને ઈકોફ્રેન્ડલી ચીજોનો ઉપયોગ વધે.

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ની થીમ હેઠળ કરવામાં આવી રહી છે. વિશ્વ આજે પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક કચરાના નિયંત્રણની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. પ્લાસ્ટિક કચરાના સુવ્યવસ્થાપનથી સુરત શહેર પ્લાસ્ટિકમુક્ત શહેર બની રહ્યું છે. જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતને અનુસરતું સુરત સમગ્ર દેશમાં પ્રથમ શહેર છે. 5R એટલે રિફ્યુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ અને રિયુઝના સિધ્ધાંતને અનુસરી શહેરે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગતિને વધુ તેજ કરી છે.

પ્લાસ્ટિક એ ઘરની ચીજવસ્તુઓથી લઈને ઔદ્યોગિક ઉત્પાદનોમાં વપરાય છે. પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેના વિઘટનમાં ૪૦૦થી ૧૦૦૦ વર્ષ જેટલો સમય લાગે છે. જીવસૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના નિકાલ માટે રિસાયકલિંગ એક અનિવાર્ય ઉપાય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ૨૨૫થી વધુ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલિંગ અને રિયુઝ કરી અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ સહિતની ૨૯ સ્થળોએ કુલ ૩૮ કિલોમીટરના રોડ બનાવાયા છે.

છેલ્લા આઠ વર્ષમાં સુરત મનપાએ અંદાજિત છ લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને રોડ બનાવવામાં ઉપયોગ કર્યો છે.
સુરત મનપાના ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ને અનુસરીને પ્લાસ્ટિકનું રિસાયકલ અને પુન: ઉપયોગ કરી રહી છે. જેમાં મનપા PPP ધોરણે જૂલાઈ ૨૦૧૭થી પ્લાસ્ટિક પ્રોસેસ કરવાની કામગીરી કરી રહી છે.

મનપા સંચાલિત કુલ આઠ રિફ્યુસ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક છૂટું પાડીને રિસાયકલ કરે છે. પ્લાસ્ટિકની થેલીઓના સંગ્રહ માટે EPR હેઠળ સુરત સુમુલ ડેરી સાથે કરાર કરીને દરરોજની અંદાજિત દોઢ લાખ દૂધની થેલીઓ એકત્ર કરી પ્રોસેસ કરાય છે.

વધુમાં શ્રી મોદીએ કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ મટીરિયલ હોવાથી હજ્જારો વર્ષ સુધી જેનો નાશ કરી શકાતો નથી, જેનાથી પર્યાવરણ, વાયુ, જળ અને જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. ભટાર ખાતે પ્લાસ્ટિકના કચરામાંથી દરરોજ ૨૦૦ ટન પ્લાસ્ટિક પ્રોસેસ કરીને પેલેટ્સ (પ્લાસ્ટિકના દાણા) બનાવવામાં આવે છે. જેનો બેન્ચ, ટાઈલ્સ, બ્રિક્સ, ખુરશી તેમજ પ્લાસ્ટિકના રોડ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક નોન ડીગ્રેડેબલ હોવાથી હજ્જારો વર્ષ સુધી નષ્ટ થતું નથી, એટલે પ્લાસ્ટિકના રોડ બનાવી પર્યાવરણીય પ્રદૂષણને અટકાવવાના પ્રયાસો કરીએ છીએ. નાગરિકો દ્વારા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાથી કેમિકલ્સયુક્ત ધુમાડો ઉત્પન્ન થાય છે. જેનાથી વાયુ- જમીન-જળ પ્રદૂષણ ફેલાય છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button