“શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી

સુરત, એકલ શ્રીહરિ સત્સંગ સમિતિની મહિલા સમિતિ દ્વારા સોમવારે એરપોર્ટ સામે એક્સોટીકા ખાતે “શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એકલ અભિયાનના કેન્દ્રીય સંક્રાંતિ પ્રમુખ મંજુ મિત્તલે જણાવ્યું હતું કે આ પ્રસંગે વૃંદાવનની ફૂલોની હોળી, બરસાનાની લઠમાર હોળી, ઉત્તરાખંડની કુમાઉ હોળી અને બોલિવૂડની હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઝંખનાબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમિતિની મહિલાઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ત્રણસો જેટલી મહિલાઓ હાજર રહી હતી અને દરેકે એક અલગ પ્રકારની હોળીની મજા માણી હતી. કાર્યક્રમમાં ભારતની પ્રખ્યાત હોળીની ઝલક જોવા મળી હતી.
સમિતિ દ્વારા આયોજિત ફાગોત્સવમાં શ્રીહરિ સત્સંગ સમિતિના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સીએ મહેશ મિત્તલ, વિદ્યાકર બંસલ, સુરત ચેપ્ટરના પ્રમુખ રમેશ અગ્રવાલ, શ્યામ ફાગલવાલા, મહિલા સમિતિના પ્રમુખ કુસુમ સરાફ, વિજયલક્ષ્મી ગાડિયા, સુષમા દારુકા, કાન્તા સોની, સુષમા સિંઘાનિયા અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.