તીર્થરક્ષા નું પુણ્ય ભવોભવ સુધી સદગતિ આપશે: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ

શ્રી ઓમકાર સુરી આરાધના ભવન વેસુના આંગણે પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પુણ્યરત્ન સુરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્ય દેવ શ્રી યશોરત્ન સુરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરિશ્વરજી મહારાજા, પૂજ્ય પન્યાસ શ્રી વિમલહંસ વિ. મ. સાહેબની નિશ્રામાં વિઝન જિનશાસન મિશન અંતરીક્ષજી નો એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પૂજ્ય આચાર્ય ભગવંતો એ તથા પં. વિમલહંસ વિ. મ. મહારાજ સાહેબે છેલ્લા 125 વર્ષ ના ઇતિહાસ ને રોચક શૈલીમાં રજૂ કર્યો હતો.
કેવી કપરી પરિસ્થિતિમાં આ તીર્થ હતું? કેવી કેવી મુશ્કેલીઓ આ તીર્થની રક્ષા કરવામાં આવી હતી? કયા કયા મહાપુરુષોએ આ તીર્થની રક્ષા માટે પોતાના સમય શરીરનું બલિદાન આપ્યું હતું વગેરે વગેરે બધું જ પ્રવચનમાં આવરી લેવામાં આવ્યું હતું. યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિ.મ. સાહેબ આ તીર્થની રક્ષા કાજે 3-3 વર્ષ સુધી ત્યાં રોકાયા હતા અને પોતાના શિષ્ય રત્ન બારડોલી ના બંધુબેલડીને આ તીર્થની રક્ષા ની જવાબદારી સોંપી હતી અને છેલ્લા 40 વર્ષથી જે પરમાત્મા ના દ્વાર બંધ હતા તે ખુલી ગયા અને છેલ્લા ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં લાખોની સંખ્યામાં શ્વેતાંબર જૈનો પરમાત્મા ની ભક્તિ કરવા આવી રહ્યા છે.
હવે ભવિષ્યમાં આ તીર્થને વધુ સુરક્ષિત કરી શકાય તે માટે સાધાર્મિક આવાસ- રેસીડેન્સીયલ તપોવન સ્કૂલ વગેરે આયોજન નજીકના ભવિષ્યમાં જે કરવામાં આવશે. તેમાંય સાધાર્મિક આવાસ માટે તો શ્રેષ્ઠિઓએ ઉદારતા થી લાભ લીધો અને આગામી 6/12 મહિનામાં જ પ્રથમ ધોરણે 50 જૈન પરિવાર માટે ની રહેવાથી માંડીને બધી જ સુવિધા ત્યાં તૈયાર થઈ જશે. આ પ્રસંગે સંગીતકાર નિલેશ રાણાવતે લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા અને અંતરિક્ષતીર્થના મુખ્ય ટ્રસ્ટી લલિતભાઈ ધામીએ પ્રાસંગિક સુંદર વક્તવ્ય આપ્યું હતું. આજના મંગલ દિવસે ડી.એમ. પરિવારે સાપ્તાહિક “યુગ પ્રધાન ડિજિટલ જૈન સમાચાર” નું વિમોચન કર્યું હતું. જેમાં પ્રત્યેક પ્રસંગોને વિનામૂલ્યે આવરી લેવામાં આવશે.