યુવાનોને ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર મુલાકાત અને વિવિધ વિષયક સંવાદ સત્રો યોજાયા
સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ

સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ
બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.
શેપિંગ ઇન્ડિયા: ભવિષ્યમાં યુવાનોની ભૂમિકા, યુવા સંસદ, જાહેર પ્રવચનની કળા અને વ્યાપાર વિકાસમાં અવરોધો તોડવા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ વિષય પર યુવા સંવાદ સત્રો યોજાયા હતા અને યુવાનોને નવા વિચારો, પ્રેરણા અને માર્ગદર્શન અપાયા હતા.
આ પ્રસંગે અનમોલ રાંકા, ડો. વિજયભાઈ રાદડિયા, જોશુઆ મેન્યુઅલ માર્ટિન અને પ્રકૃતિ દિનેશસિંહ જેવા વક્તાઓના પ્રવચનથી ઉદ્યોગવિસ્તારની વ્યાવસાયિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને વિવિધ ક્ષેત્રમાં નવી તકો શોધવાની પ્રેરણા મળી હતી
કાર્યક્રમના ચોથા દિવસે યુવાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવાઈ હતી. જેમાં ભારતના અદ્દભૂત વારસાની અનુભૂતિ, રાષ્ટ્રીય એકતા અને નેતૃત્વ અંગે પ્રેરણા મેળવી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વરૂપમાં એકતા અને સંકલ્પશક્તિનું પ્રતિક છે એ વિષે વાકેફ કરી તેમના જીવનસંઘર્ષ વિષે સમજ અપાઈ હતી.