સુરતના અડાજણ ખાતે યોજાયેલા સરસમેળામાં ચાર દિવસમાં એક કરોડનું વેચાણ
૧૯ રાજયોની મહિલાઓએ પોતાના હસ્તકલાથી ઉત્પાદિત કરેલા ઉત્પાદનો‘સરસ મેળા’ થકી ખરીદવાની તક

સુરત: ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે તા.૬ઠ્ઠી માર્ચથી શરૂ થયેલા ‘સરસ મેળો-૨૦૨૫’માં ચાર દિવસમાં એક કરોડથી વધુનું વેચાણ થયું છે. સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણી રહ્યા છે અને અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત મેળામાં સમગ્ર ભારતના ૧૯ રાજયોના ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ૧૬૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી ખાણીપીણી માટે ૧૫ લાઇવ ફૂડસ્ટોલ પણ સામેલ છે. તા.૧૫ માર્ચ સુધી આ મેળો સવારે ૧૦.૦૦ થી રાત્રિના ૧૦.૦૦ સુધી ખૂલ્લો રહેશે.
‘વોકલ ફોર વોકલ’ નેમને સાકાર કરતો સરસ મેળો સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ, કાષ્ટકળા, અંતર, ચિત્રકામ, ફુટવેર, માટીકામની વસ્તુઓ જેવી અનેક ચીજવસ્તુઓ ખરીદવાની સુરતીઓને તક મળી છે. આ ઉપરાંત દરરોજ સાંજના સમયે કલાકારો દ્વારા લાઈવ પરફોમન્સ રજૂ કરીને લોકોને મનોરંજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
સરસ મેળાના અવનવા આકર્ષણો:
થીમ પેવેલિયન: સખી બહેનોની પ્રેરક સફળતાની ગાથાઓ અને તેમની કલાકારીગરીનું પ્રદર્શન
કિડ્સ ઝોન: બાળકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને આનંદદાયક અનુભવ.
કેફેટેરિયા: સ્વસહાય જૂથના બહેનો દ્વારા તૈયાર કરાયેલી સ્વાદિષ્ટ સ્થાનીય વાનગીઓ.
સાંસ્કૃતિક કાર્યક્રમ: લોકલ આર્ટિસ્ટ દ્વારા સંગીત નાઇટ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમો