મિનીબજાર માનગઢ ચોકથી વરાછા ઇસ્કોન મંદિરના રથને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રથયાત્રામાં સહભાગી થયા
સુરત: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ મીનીબજાર માનગઢ ચોક ખાતેથી આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના શ્રી રાધા શ્યામસુંદર વરાછા ઇસ્કોન મંદિરના રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સાથે કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતિબેન મહેશ્વરી પણ પૂજનઅર્ચનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, જગના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ૭૦૦ મંદિરોનું નિર્માણ થયું છે, જેના થકી પૂ.શ્રીલ પ્રભુપાદજીએ આપણને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને રાખ્યા છે, અને વિશ્વના દરેક દેશમાં વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને જીવંત રાખવા પ્રચાર કર્યો છે. તેમણે આપણામાં રાષ્ટ્રવાદની ભાવના પ્રગટ થાય અને હરહંમેશ રાષ્ટ્રહિત માટેના કાર્યો કરવાનું પ્રેરકબળ મળે એવી ભગવાન જગન્નાથજીની સાક્ષીએ પ્રાર્થના કરી હતી.
યાત્રામાં કુષ્ણભક્તોનું ઘોડાપુર જોઈ હ્રદય આનંદથી ગદગદિત થઈ ઉઠ્યું હોવાનું જણાવી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યાએનીકળ્યા છે, ત્યારે દર્શનનો લ્હાવો લેવા સુરતના ભક્તોને ભાવપૂર્વક અનુરોધ કર્યો હતો.
જગન્નાથ ભગવાનની રથયાત્રાને સહપ્રસ્થાન કરાવતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે સુરતવાસીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સુરત વિકાસના નવા શિખરો સર કર તેવી પ્રભુપ્રાર્થના કરી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે મંદિરમાં જ ભગવાન જગન્નાથ દર્શન થયા હતા, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથ આશીર્વાદ આપવા જાતે નગરચર્યાએ નીકળ્યા છે એમ જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી.
આ રથયાત્રા પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, પ્રવિણભાઈ ઘોઘારી, ઝંખનાબેન, ડે.મેયર દિનેશ જોધાણી, અગ્રણી જનકભાઈ બગદાણાવાલા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં સહભાગી થયા હતા.