સુરત: સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના સમૂહલગ્ન યોજાશે. આગામી તા.૧૪-૧૫ ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે પિયરીયું’ થીમ સાથે પિતાવિહોણી ૧૧૧ દીકરીઓના સમૂહલગ્ન યોજાશે.
છેલ્લા ૧૩ વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી કુલ ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે, ત્યારે ૧૪ અને ૧૫ ડિસે. એમ બે દિવસમાં ૧૧૧ દીકરીઓ ‘પિયરીયું’ છોડીને સાસરે શ્વસુરગૃહે જશે.
મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહી કન્યાદાન કરશે. મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતો પધારશે અને નવદંપતિને આશીર્વાદ આપશે.
૧૪ અને ૧૫મીએ સાંજે ૫.૦૦ વાગ્યે અબ્રામા ખાતે ‘પિયરીયું’ના નામે યોજાનાર લગ્નોત્સવ સંદર્ભે પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર લગ્ન નહીં, પણ સમાજસેવાની ભાવના સાથે ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે સમાજને પ્રેરિત કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ સાથેના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૫૦,૦૦૦ મહેમાનોને તુલસી છોડ અર્પણ કરાશે.
પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ, તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પિયરીયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે, બે મુસ્લિમ છે અને વિવિધ ૩૯ જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે.
લગ્ન અગાઉ જ તમામ ૧૧૧ દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે ૧૧૧ કન્યા છે એ પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે.
ગોલ્ડન બુક ઓફ રેકર્ડમાં મળશે સ્થાન
વિપુલ તળાવીયા જણાવ્યું હતું કે પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ ૧૪ તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે.
પી.પી.સવાણી ગ્રુપ- રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી, ડભોલી-કતારગામ શાખાનો શુભારંભ થશે
પિયરિયું લગ્નસમારોહના દિવસે તા.૧૪મીએ કતારગામ વિસ્તારની પ્રથમ પી.પી.સવાણી ગ્રુપની શાળાનો શુભારંભ પણ થશે. પી.પી.સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળતું થશે.
દીકરી-જમાઈનું પૂજન
દરવર્ષે દીકરીનું પૂજન થાય જ છે, આ વર્ષે પણ થશે પણ એમાં નવા પરિમાણ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ-સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે. આ આરતી અનોખી અને સંભવત: પ્રથમ વખત થશે જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય.
પરિવાર ભાવના ખીલે એ માટે દીકરીઓ અને માતાને પ્રવાસ યાત્રા
લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈઓને કુલુ મનાલી અને માતા એટલે કે બંને વેવાણની સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે. પી.પી. સવાણી પરિવાર પ્રવાસ આયોજન-ખર્ચ ઉપાડશે.
મદદકર્તા, સેવાભાવીઓનું થશે સન્માન
લગ્ન સમારોહ દરમિયાન મહેંદી, બ્યુટી પાર્લર, મંડપ, સંગીત, લાઈટ, પાર્કિંગ, ભોજન, સિક્યુરિટીથી લઈને મહેમાનની સુધીની અનેક વ્યવસ્થામાં પરસેવો વહાવનાર સેવાભાવી સ્વયંસેવકો, સંસ્થાના સભ્યો સહિતના તમામ મદદકર્તાઓને ઋણ સ્વીકાર કરીને સન્માન કરાશે.