ધર્મ દર્શન

 મીડિયા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા સક્ષમ છે – રત્નસુંદરસૂરિજી મહારાજા

સત્તા, શિક્ષા, સંત અને મીડિયા સમગ્ર રાષ્ટ્રની શકલ પલટી શકે છે

સુરત, પાલ સ્થિત આ. શ્રી ઓમકાર સૂરિજી આરાધના ભવનમાં પદ્મભૂષણ વિભૂષિત સરસ્વતી લબ્ધપ્રસાદ રાજ પ્રતિબોધક અને રાષ્ટ્ર હિતચિંતક જૈનાચાર્ય પૂ. રત્નસુંદરસૂરિજી મહારાજા અને પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મ. આદિ શ્રવણ વૃંદની પાવન પધરામણી થતા જૈન સમાજ તેઓશ્રીને આવકારવા ઉમટી પડયો હતો. પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં પ્રવચન શ્રેણીનો પ્રારંભ થયો છે.

પુ. આ. શ્રી રત્નસુંદરસૂરિજીએ જણાવ્યું કે મીડિયા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા સક્ષમ છે. દૂધને તમે જે આપો છો તેમાંથી કંઈક પ્રાપ્ત થાય છે. સાકરથી દૂધ મીઠું બનશે, મેળવણથી દૂધ દહીં બનશે પણ જો લીંબુનું ટીપુ નાખશો તો દૂધ ફાટી જશે. સમાજને નબળું કે નિરર્થક આપશો તો સારું નહીં મળે. સમાજને પ્રભાવશાળી અને પવિત્ર બનાવવા મીડિયાએ પણ પહેલ કરવી પડશે.

સત્તા, શિક્ષા, સંત અને મીડિયા સમગ્ર રાષ્ટ્રની શકલ પલટી શકે છે. અત્યારે ગટરના ઢાંકણા ખોલવાનો સમય નથી પણ અત્તરની બાટલીના ઢાંકણા ખોલવાનો સમય છે. પણ ઉલટું થઈ રહ્યું છે. દિલ્હીમાં ‘સેકસ એજયુકેશન’ અંગે પીટીશન દાખલ કરીને સાડા ત્રણ વર્ષની મહેનત દ્વારા સહુના દિલ જીતીને પૂજ્યશ્રીએ ‘સેક્સ એજ્યુકેશન’ બંધ કરાવ્યું હતું. ‘સેકસ એજયુકેશન’ના ભયંકર પાપને પ્રવેશ કરાવવા પાછળ કોન્ડોમ અને એઇડ્સના વ્યાપારીકરણનો હેતુ હતો.

લગ્નની છુટ 21 વર્ષ હતી એના બદલે 18 વર્ષ કરવામાં આવી એની પાછળ મેલી મુરાદ હતી. મીડિયા એ હવા છે જે આખા વાતાવરણને બદલી નાખે છે. એકાદ બે વ્યક્તિના કારણે જૈન સમાજને બદનામ કરનાર સાંસદ પ્રત્યે પૂજ્યશ્રીએ હૈયાવરાળ ઠાલવી હતી. ઘઉમાં કાંકરા હોય તો ઘઉંને વગોવવા તે બરાબર નથી. ફ્રન્ટ પેજ ઉપર સારા સમાચાર જશે તો એની અસર સારી થશે. દિલ્હીમાં મને સફળતા આપનાર માત્ર મિડિયા જ છે એવું પૂજ્યશ્રીએ કહ્યું હતું.

મંદિરમાં જનારા ઓછા હોય, હોટેલમાં જનારા એના કરતાં વધુ હોય, પિક્ચર જોનારા એના કરતાં વધુ હોય. આજે સમૂહ તળેટી પ્રેમી છે, શિખર પ્રેમી નથી. જોડાણ બધાને ગમતું નથી, ઢાળ મળે ત્યારે ગંગાને પણ ઊભા રહેવા અઘરું છે. દુર્જન સજ્જન બને, સજ્જન સંગઠિત બને અને સંગઠિત સજ્જન સક્રિય બને એવા પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. દાડમ જેવા નહીં લાડવા જેવા બનો, દાડમના દાણા છૂટા પડે છે લાડુના કણીયા જોડાયેલા રહે છે.

સંતોની ઇચ્છાશક્તિ અને શાસકોની શાસક શક્તિ એક થઈ જાય તો કમાલ થઇ જાય. પૂજ્ય શ્રી પાંડેસરા, ભટાર, સરેલા વાડી, અઠવા લાઇન્સ, ઉમરા થઈ પાલ પાંચ દિવસ સ્થિરતા કરશે. પૂજ્યશ્રીની પ્રવચન પ્રસાદી મેળવવા હજારોની સંખ્યા ઉમટી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button