દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું એક ઉજ્જવળ કાર્યને સંપન્ન કરતા હોય છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા આવા દિક્ષાર્થીઓ જે સુરત અને સુરતની બહાર દીક્ષા લેવા જઈ રહ્યા છે તેવા 5- દિક્ષાર્થી (મુમુક્ષુરત્નો) દ્વારા બેઠુ વર્ષીદાનનું એક અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 18 થી વધારે અલગ અલગ જાતિના 500થી વધારે નિરાધાર પરિવારો તેમજ સુરત શહેરના તમામ શિખરબંધી જિનાલયના 200થી વધારે પૂજારીઓને આ બેઠુ વર્ષીદાન કરવામાં આવ્યું. આ તમામ પરિવારોને ખૂબ બહુમાનપૂર્વક જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ મુમુક્ષુરત્નો દ્વારા બેઠા વર્ષીદાન સ્વરૂપે આપવામાં આવી. આ તમામ પરિવારોએ પણ 5-5 મુમુક્ષુરત્નોને હૃદયના ઉછળતા ભાવો સાથે દુઆ અને આશીર્વચનો આપ્યા.
જરૂરીયાતમંદ પરિવારો સુધી આ દાન પહોંચે એવો હેતુ આ આયોજન પાછળ સમાયેલો છે. આ અવસરે પાવન નિશ્રા પૂજ્ય આચાર્ય શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજ તથા અન્ય ગુરુ ભગવંતોએ આપી હતી..આ સંપૂર્ણ આયોજન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ, શ્રી મહાવીર નગરી, ગોપીપુરા, સુરત દ્વારા કરવામાં આવેલ હતું.