સ્પોર્ટ્સ
પહેલી વાર ગુજરાતના ત્રણ ખેલાડી ભારતીય ટીમમાં સામેલ

ગાંધીધામ : ગુજરાતના ટેબલ ટેનિસ સમૂદાય માટે ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે કેમ કે ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં એક કે બે નહીં પણ ત્રણ ગુજરાતી ખેલાડીને સામેલ કરાયા છે. ચીનના ચેંગુડુ ખાતે યોજાનારી 56મી વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ (ટીમ) માટે પાંચ સદસ્યની ભારતીય ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીનો સમાવેશ કરાયો છે.
સુરતનો અને એક કરતા વધુ વખત કોમનવેલ્થ ગેમ્સ મેડલ જીતી ચૂકેલા 29 વર્ષીય હરમિત દેસાઈની સાથે તેના જ શહેરનો માનવ ઠક્કર (22) અને વડોદરાનો 21 વર્ષીય માનુષ શાહ ચીનમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
વર્લ્ડ ઇવેન્ટમાંથી બહાર રહેવાનો નિર્ણય કરનારા મહાન ખેલાડી શરથ કમાલને સ્થાને ભારતનો મોખરાના ક્રમનો અને વિશ્વમાં 37મો ક્રમાંક ધરાવતો જી. સાથિયાન ભારતીય ટીમની આગેવાની લેશે.
આ ઐતિહાસિક ક્ષણ અંગે ચર્ચા કરતાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ રાજ્યના ખેલાડીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે “એ જાણીને રોમાંચ થાય છે કે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે ટીમના 50 ટકા કરતાં વધારે ખેલાડી ગુજરાતના છે. આપણા રાજ્યના ખેલાડીઓ ઘણા સમયથી વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ સામે રમી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષની આકરી મહેનતે પરિણામ આપ્યું છે.” તેમ મિત્રાએ જણાવ્યું હતું.
અનુભવી હરમિત દેસાઈ ચોથી વખત વર્લ્ડ ઇવેન્ટમાં ભાગ લેવા માટે સજ્જ બની રહ્યો છે તો માનવ અને ડાબોડી માનુષ વર્લ્ડ લેવલે યાદગાર પ્રારંભ કરવા આતુર છે.

“અન્ય રાજ્યોને પાછળ રાખી દેવા તે અનોખી બાબત છે. આ ઉપરાંત મને લાગે છે કે આપણું રાજ્ય ટેબલ ટેનિસમાં ઘણું આગળ આવી ગયું છે.” તેમ ભારતના ત્રીજા ક્રમાંકના હરમિત દેસાઈએ બલ્ગેરિયાથી જણાવ્યું હતું.
માનવ અને માનુષ બંનેએ ચીનમાં વર્લ્ડ ઇવેન્ટમાં રમવા અંગે રોમાંચ વ્યક્ત કર્યો હતો અને તેમને મળેલી આ સુવર્ણ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવા વિશ્વાસ દાખવ્યો હતો.
“અમારા માટે ઓલિમ્પિક્સ બાદ આ બીજી સૌથી મોટી ટુર્નામેન્ટ છે. સમગ્ર વિશ્વના મોખરાના ખેલાડીઓ ત્યાં રમતા જોવા મળશે. હું થોડો તનાવમાં છું પરંતુ સાથે સાથે શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવા માટે મને પ્રેરણા મળી છે.” તેમ ભારતના પાંચમા ક્રમના માનવ ઠક્કરે જણાવ્યું હતું. ઠક્કર હાલમાં શરથ કમાલની ચેન્નાઈ એકેડમી ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

ભારતીય ટીમના સૌથી યુવાન ખેલાડી માનુષ શાહ માત્ર વર્લ્ડ ઇવેન્ટમાં જ પહેલી વાર નહીં રમે પરંતુ સાથે સાથે ભારતીય નેશનલ ટીમમાં પણ પહેલી વાર રમવાનો છે. તેણે જણાવ્યું હતું કે “સિનિયર ખેલાડી સાથે રમવાની મને મળેલી તક માટે હું ભગવાનનો આભારી છું. હું ટીમના હિતમાં યોગદાન આપવા માટે આતુર છું.” તેમ બલ્ગેરિયાથી માનુષે જણાવ્યું હતું.
ભારતીય ટીમ
મેન્સઃ જી. સાથિયાન, સાનિલ શેટ્ટી, હરમિત દેસાઈ, માનુષ શાહ અને માનવ ઠક્કર.
વિમેન્સઃ મણિકા બત્રા, શ્રીજા અકુલા, રિથ રિશ્યા, દિયા ચિતાલે અને સ્વસ્તિકા ઘોષ.
કોચઃ સ. રમણ અને અનિન્દિતા ચક્રવર્તી/ક્રિસ એડ્રિયન પીફઆઇફર (અંગત કોચ).
મસાજરઃ હરમિત કૌર.