બિઝનેસસુરત

અડાજણ ખાતે ટીબીના ૩૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ

AM/NS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ‘ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી.મુક્ત ભારત’ કાર્યક્રમ યોજાયો

સુરતઃ  અડાજણ પરર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં AMNS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી. મુક્ત ભારત કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ટી.બી.દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO એ વર્ષ ૨૦૨૩૦ સુધીમાં ટી.બી. નાબૂદીનો નિશ્ચય કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાંથી ૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ ભારતને ટી.બી. મુક્ત કરવાનું આહવાન કર્યું છે.

વધુમાં મંત્રીએ કહ્યું કે, સરકાર દ્વારા ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ, નિયમિત લેબોરેટરીની સુવિધા પૂરી પાડે છે. દર્દીઓને નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ. ૫૦૦ ની સહાયને વધારીને ગત વર્ષે રૂ.૧૦૦૦ કરી છે, જે બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે.

જેમ પોલિયોમુક્ત ભારત બનાવવામાં સફળતા મળી છે તેમ સરકાર, સામાજિક સંસ્થાઓના પ્રયાસોથી ટીબીને દેશવટો આપીશું એમ જણાવી મંત્રીએ ઉમેર્યું કે, સુરત, ગુજરાત અને દેશમાંથી ટીબીને સંપૂર્ણ નાબૂદ કરવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રણ સાથે સૌ દર્દીઓ સમયસર દવા લેવા અને પૂરતી કાળજી રાખે તે જરૂરી છે.

ટીબીના દર્દીઓને પોષણક્ષમ ખોરાક મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ અને એનજીઓ સાથે સમાજ સેવકો અને દાતાઓના સહયોગથી દર્દીઓને પોષણ આહારની કીટ (ન્યુટ્રીશન કીટ) પૂરી પાડવામાં આવી રહી છે એમ જણાવી આવનાર બે વર્ષમાં ટી.બી. સામે સામૂહિક લડાઈથી ચોક્કસપણે ટી.બી. મુક્ત સુરત બનાવવામાં સફળતાં મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને સેવા સેતુ કાર્યક્રમમાં ઘરઆંગણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.

AMNS-હજીરા કંપનીના કોર્પોરેટ અફેર્સ વિભાગના હેડ ડો. અનિલ મટ્ટુએ જણાવ્યું હતું કે, AMNS કંપનીના સહયોગથી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં યુવા-યુવતીઓને તાલીમ આપી કુશળ બનાવી રોજગારી આપવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ સાથે કંપની સ્પોર્ટ્સ, એજ્યુકેશન, આરોગ્યની સાથે સાથે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’, પર્યાવરણની જાળવણીની કામગીરી પર વિશેષ ધ્યાન આપીને સમાજસેવાનું કાર્ય કરી રહી છે. સુરત એ ડાયમંડ સિટી, સિલ્ક સિટી તરીકે જગવિખ્યાત છે, ત્યારે આગામી સમયમાં સુરતના હજીરા સ્થિત AM/NS યુનિટ વિશ્વનું સૌથી વધુ ૨૪ મિલિયન ટનનું સ્ટીલ ઉત્પાદન કરતું યુનિટ બનશે.

આર. કે. ટ્રસ્ટના ચેરમેન ડો. ધર્મેન્દ્રભાઈએ કહ્યું હતું કે, છેલ્લાં ૩૦ વર્ષમાં સંસ્થા એ ૨૯,૦૦૦થી વધું આરોગ્યલક્ષી કેમ્પ યોજ્યા છે. સંસ્થાએ સૌથી વધુ કેમ્પ યોજી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૭૦ લાખથી વધુ ટી.બી.ના દર્દીઓની તપાસ કરીને ટી. બી.મુક્ત ભારતના વડાપ્રધાનના વિઝનને કેન્દ્રમાં રાખીને ટી.બી. મુક્ત સુરત બનાવવનું લક્ષ્ય છે.

આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, ડી.જી.ડી.સી.ના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન-૧ના અજય શર્મા, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, આરોગ્ય સમિતિ ચેરમેન મનિષા આહિર, સિટી ટી.બી.ઓફિસર ડો.ભાવિન પટેલ, મેડિકલ ટીમ, આરોગ્ય વિભાગના સ્ટાફ સહિત દર્દીઓ- સગર્ભા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button