SGCCIના વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના આ પ્રતિનિધિ મંડળમાં માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, ગૃપ ચેરમેનો ભાવેશ ટેલર અને કિરણ ઠુમ્મર, વુમન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા અને ચેરપર્સન કૃતિકા શાહ તથા કો–ચેરપર્સનો સુશ્રી બીના ભગત અને સુશ્રી અંકિતા વાળંદ સહિત ટેક્ષ્ટાઇલ, જ્વેલરી, આર્કિટેકટ, આઇટી, હોસ્પિટાલિટી અને વકીલાત ક્ષેત્રની સાથે સંકળાયેલી રપ જેટલી મહિલા સાહસિકોનો સમાવેશ થાય છે.
ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકો દ્વારા બિઝનેસમાં આગળ વધવા માટે તેમજ ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા હેતુ કઇ દિશામાં પ્રયાસ કરવા જોઇએ તેના વિષે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહિલા સાહસિકોને બિઝનેસની સાથે સાથે સમાજમાં મહિલા સશકિતકરણની દિશામાં પ્રયાસ કરવાની હાંકલ કરી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓને પગભર થવા માટે નાના નાના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરાવવા માટે તેઓને પ્રેરણા આપવાની તેમજ વરસાદી પાણીના બચાવ માટે સરકારના ‘વોટર હાર્વેસ્ટીંગ’અભિયાનમાં યોગદાન આપવાની સલાહ મુખ્યમંત્રીએ મહિલા સાહસિકોને આપી હતી.
ચેમ્બરની મહિલા સાહસિકોએ ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાની સાથે પણ મુલાકાત કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ મેળવીને મહિલાઓ આત્મનિર્ભર બને છે, આથી તેમણે મહિલાઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં સરકારની મદદ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મહિલા સાહસિકોએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય રેવાબા જાડેજા તથા અન્ય રાજકીય નેતાઓની પણ મુલાકાત લીધી હતી.