L&T કંપની દ્વારા મોરા, અરિયાણા અને આડમોર ગામે રૂ.૧.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ ભૂગર્ભ પાણીની ટાંકીઓનું લોકાર્પણ
સુરત: કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના મોરા અને ઓલપાડના અરિયાણા અને આડમોર ગામે L&T કંપની દ્વારા CSR ફંડમાંથી રૂ.૧.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ ભૂગર્ભ પાણીની ટાંકીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ આડમોર ગામે આર.ઓ પ્લાન્ટ રૂમનું પણ લોકાર્પણ કર્યું હતું.
ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મોરા ગામે રૂ.૮૫ લાખના ખર્ચે ૫ લાખ લીટર, અરિયાણા ગામે રૂ.૪૭ લાખના ખર્ચે ૩.૫ લાખ લીટર તેમજ આડમોર ગામે રૂ. ૪૮ લાખમાં નિર્માણ પામેલ ૨.૭૫ લાખ લીટરની ભૂગર્ભ પાણીની ટાંકી અને આર.ઓ. પ્લાન્ટ રૂમની મંત્રીના હસ્તે ગ્રામજનોને ભેટ મળી હતી.
આ પસંગે મંત્રી મુકેશભાઈ પટેલે રાજ્ય સરકાર સાથે વિકાસકાર્યોમાં સહભાગી થઈ લોકકલ્યાણ માટે CSR-સામાજિક જવાબદારી નિભાવવા બદલ L&T કંપનીના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. મંત્રીશ્રીએ ગ્રામજનોને જીવાદોરી સમાન પાણીનું મહત્વ સમજાવતા આપણી આજ અને આવનારા ભવિષ્યની મહામૂલી મૂડી સમાન પાણીનો સદુપયોગ કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂગર્ભ પાણીની ટાંકીઓની સુવિધાથી સ્થાનિક ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર શહેરોની સાથોસાથ ગ્રામવિકાસ માટે સંખ્યાબંધ નવા પુલો અને રસ્તાઓ, પાણી અને વિજળીની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી રહી છે. નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ભારત વિશ્વથી હંમેશા એક ડગલું આગળ રહે એ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સતત કાર્યરત છે. આ સંદર્ભે તેમણે દેશમાં તાજેતરમાં લોન્ચ થયેલા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ અને તેના ફાયદાઓ વિષે વિસ્તૃત વિગતો આપી હતી.
આ પ્રસંગે L&Tના ચીફ એક્ઝિક્યુટિવ, હોલ ટાઈમ ડિરેક્ટર-LMB શ્રીનિવાસ સિરૂપાએ
સુરત સાથેના સંસ્મરણો વાગોળી તેમના પ્રાથમિક શિક્ષણની શરૂઆત સુરતથી થઈ હોવાનું અને
ગુજરાતની ભૂમિ માટે વિશેષ લગાવ અને સન્માન હોવાનું કહ્યું હતું. તેમણે પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય
તેમજ કૌશલ્ય વિકાસ જેવા ૪ મુખ્ય સ્તંભ પર જ L&T કાર્યરત હોવાનું ઉમેર્યું હતું.
L&T(હજીરા)ના વાઈસ પ્રેસિડેન્ટ અને CAO અતિક દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા દાયકામાં
હજીરા વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસની હરણફાળથી ઓલપાડ વિસ્તારની કાયાપલટ થઈ છે.
ઓલપાડના દરેક ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું
આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, L&Tના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ, LMB આર.એમ.હાશિમ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ, ઉપપ્રમુખ જશુબેન વસાવા, અગ્રણી મુકેશભાઈ, સરપંચશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.