સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે તા.૨૦, ૨૧ અને ૨૨ જુલાઇ ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’ યોજાયો છે.
આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ગઇકાલે પ્રથમ દિવસે ૫૩૪૫ જેટલા બાયર્સ અને વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજે બીજા દિવસે ૮૭૮૦ બાયર્સ અને વિઝીટર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન કુલ ૧૪,૧૨૫ જેટલા બાયર્સ અને વિઝીટર્સે સીટેક્ષ એક્ષ્પોની મુલાકાત લેતા તેનો બહોળો લાભ એકઝીબીટર્સ તેમજ સુરતની સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને મળી રહેશે.
આ બે દિવસ દરમ્યાન દેશના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, બેંગ્લોર, ભીવંડી, ઠાણે, કોઈમ્બતુર, દાદરાનગર હવેલી, દિલ્હી, ગાજિયાબાદ, પાણીપત, વડોદરા, ઔરંગાબાદ, જોધપુર, ચેન્નાઇ, બોઇસર, મેરઠ, ગુડગાંવ, આગ્રા, કોટા, અજમેર, ગાંધીધામ, સાંગલી, વારાણસી, કલકતા, મુંબઇ, હૈદરાબાદ, બેંગ્લોર, રાજકોટ, જેતપુર, બેલગામ, બેલાગાવી, બિજનોર, સેલમ, પૂણે, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, મથુરા, ખાંડવા, ઇરોડ, લુધિયાના, પાલી, જામનગર, આણંદ, પોરબંદર, કોટા, અંબરનાથ, ઇચ્છલકરંજી, મોરબી, અંકલેશ્વર, માલેગાંવ, કોડા કંડલા, ઉદયપુર, ગોંડલ, કલોલ, ધુળે, તિરૂપુર, બાલોતરા અને ઝાલોરથી વિઝીટર્સે સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત લીધી હતી.
સીટેક્ષ એક્ષ્પોમાં ભારતમાં બનેલા એરજેટ અને વોટરજેટના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે. પીલરલેસ એસી ડોમમાં પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.