અમદાવાદ

સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ

ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો

અમદાવાદ, સિંધી સમાજના યુવાનોને એક મંચ પર લાવીને તેમને આર્થિક રીતે સશક્ત તથા આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં સિંધી સમાજના સૌથી મોટા સંગઠન ભારતીય સિંધુ સભા દ્વારા સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભાટ ખાતે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) ખાતે રવિવાર, 10 એપ્રિલના રોજ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં 10 દેશોના સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન પ્રદીપસિંહ પરમાર અને રાજ્યકક્ષાના કુટિર ઉદ્યોગ તથા સહકાર પ્રધાન જગદીશભાઈ પંચાલ સહિત વિવિધ સરકારી સંસ્થાનોના પ્રતિનિધિઓ તથા મહાનુભાવો આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.

આરએસએસ પ્રચારક તથા હિન્દુ સ્વયંસેવક સંઘ (એચએસએસ)ના આંતરરાષ્ટ્રીય સંયુક્ત સંયોજક રવિ ઐયરે આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું તથા મુખ્ય અતિથિપદે રહ્યા હતા. તેમણે સિંધુ યુવાનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનીને ભારતની વિકાસગાથામાં સક્રિય ભૂમિકા ભજવવા તથા સામાજિક માળખાને મજબૂત બનાવવા આગળ આવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમની સફળતા અંગે ગ્લોબલ સિંધુ સમિટના કો-ઓર્ડિનેટર અને ભારતીય સિંધુ સભા- ગુજરાતના યુવા પ્રમુખ શ્રી નિખિલ મેઠિયાએ જણાવ્યું હતું કે ભારતમાં સૌપ્રથમ વખત સિંધી સમુદાય માટે યોજાયેલી આ ગ્લોબલ સમિટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. 10 એપ્રિલે અમે સિંધી ભાષા દિવસ પણ ઉજવતા હોવાથી આ દિવસ અમારા માટે સવિશેષ મહત્વનો હતો.

આ સમિટ સાથે અમે સામાજિક-આર્થિક સશક્તિકરણ, મૂલ્ય-આધારિત શિક્ષણ, સમુદાયનું કલ્યાણ તથા વૈશ્વિક બંધુત્વનું ધ્યેય હાંસલ કરવા ઈચ્છીએ છીએ. સિંધી સમુદાયે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર રહીને દેશની પ્રગતિમાં હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આ સમિટ દ્વારા અમે દેશ- વિદેશના સિંધી અગ્રણીઓને એક મંચ પર લાવીને અને તેમના થકી પ્રોત્સાહિત થયેલા યુવાનો દ્વારા મજબૂત રાષ્ટ્રનિર્માણ માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલા ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન પ્રદીપસિંહ પરમારે ગુજરાતની પ્રગતિમાં સિંધી સમુદાયની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરી હતી.

સિંધી યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આ એક ઉત્કૃષ્ટ અને મજબૂત મંચ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ગુજરાતના રાજ્યકક્ષાના કુટિર ઉદ્યોગ તથા સહકાર પ્રધાન જગદીશ પંચાલે પણ સિંધી સમુદાયને શુભેચ્છાઓ આપતાં આશા વ્યક્ત કરી હતી કે વધુને વધુ સિંધી યુવાનો સામાજિક-આર્થિક વિકાસ સાધીને સશક્ત ગુજરાતના નિર્માણમાં સિંહફાળો આપશે. દેશના અગ્રણી સિંધી બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ તથા પ્રોફેશનલ્સે આ સમિટમાં સિંધી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. સમિટમાં દેશ-વિદેશના લગભગ 600 ડેલિગેટ્સે ભાગ લીધો હતો અને15,000 લોકોએ મુલાકાત લીધી હતી. એક દિવસની આ વૈશ્વિક સમિટમાં બિઝનેસ કોન્ફરન્સ, એક્ઝિબિશન, ફોક ફેસ્ટિવલ તથા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

બિઝનેસ કોન્ફરન્સમાં નિખિલ ચંદવાણી (ઈન્ફ્લુએન્સર), રાજ રહોરા (સોશિયલ મીડિયા એક્સપર્ટ), સિમરન ધામેજા (ઈ-કોમર્સ એક્સપર્ટ), ઉમેશ ઉત્તમચંદાની (ફાઉન્ડર, દેવ એક્સલેટર), દીપક મુલચંદાની (એજીએમ, સિડબી), રોહિત ગોપલાની (આંત્રપ્રિન્યોર, ફાઉન્ડર-સીઈઓ, જેમ પાર્ટનર્સ), મુકેશ સમતાની (સિનિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર, ઈઈપીસી ઈન્ડિયા),  અનિલ ભંભાની (ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ અને વેલ્થ મેનેજમેન્ટ એક્સપર્ટ) અને રામ કુંદનાની (યુકે સ્થિત મેનેજમેન્ટ અને આઈટી કન્સલ્ટન્ટ) જેવા નિષ્ણાંત વક્તાઓએ ડિજિટલ વર્લ્ડ, સ્ટાર્ટઅપ્સ, ઈન્વેસ્ટમેન્ટ, ઈમ્પોર્ટ- એક્સપોર્ટ જેવા વિષયો પર વિસ્તૃતપણે વક્તવ્યો આપ્યા હતા અને યુવાનો સાથે પ્રશ્નોત્તરી કરી હતી.

બિઝનેસ કોન્ફરન્સના ભાગરૂપે યોજાયેલા સેશનમાં સિંધી બિઝનેસમેન તથા અગ્રણીઓએ યુવાનોને તેમની સફળતાના રહસ્યો પણ જણાવ્યા હતા. શ્રી રાજેશ વાસવાની (ફાઉન્ડર, વિનસ ગ્રુપ ઓફ કંપનીઝ), શ્રી મદન દોદેજા (ફાઉન્ડર અને સીઈઓ, વાશી ઈન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ), સુરેશ નિહલાની (ડિરેક્ટર, ધ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ), આઈપીએસ સંદીપ રૂપેલા (એસીપી, નવી દિલ્હી), પ્રેમ લાલવાની (ફાઉન્ડર, શ્રી ગણેશ કોર્પોરેશન) તથા હરેશ કરમચંદાની (મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, હાયફન ફૂડ્સ) જેવા અગ્રણીઓએ તેમના સંઘર્ષ, મજબૂત મનોબળ, અથાક પરિશ્રમ અને લીડરશીપના જોરે કેવી રીતે સફળતા મેળવી તેની રસપ્રદ રજૂઆત કરીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

ગ્લોબલ સિંધુ સમિટ અંતર્ગત સિંધુ બિઝનેસ એક્ઝિબિશન પણ યોજાયું હતું જેમાં લગભગ 80 બિઝનેસમેન-વેપારીઓએ પોતાના વ્યવસાયો રજૂ કર્યા હતા. આ એક્ઝિબિશન દ્વારા સિંધી યુવાનોને  બિઝનેસના નવા ક્ષેત્રો તથા તકોને જાણવા મળી હતી. ઓછી મૂડી સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવા અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી ધંધા-વેપારના માર્ગદર્શન મેળવવા માટે આ સમિટ તેમના માટે શ્રેષ્ઠ મંચ પુરવાર થઈ હતી. સિંધી લોકો શા માટે આખી દુનિયામાં શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે ઓળખાય છે, વ્યવસાયમાં સફળતા માટે શું સાવચેતી રાખવી જોઈએ, અસફળતાને કેવી રીતે ડાયજેસ્ટ કરવી અને સર્વાંગી વિકાસ અને સફળતા માટે સિંધીઓ અન્ય સિંધીઓને કેવી રીતે મદદ કરશે તેની સમજ અને રૂપરેખા આ સમિટમાં જોવા મળી.

કાર્યક્રમના ભાગરૂપે સિંધી ભાષા અને સંસ્કૃતિનો વૈભવ દર્શાવતો સિંધી ફોક ફેસ્ટિવલ પણ યોજાયો હતો જેમાં દેશ ની સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિ ની ઝાખી જોવા મળી હતી. સિંધી ફૂડ ફેસ્ટિવલમાં મુલાકાતીઓ તથા ડેલિગેટ્સે દાલ-પકવાન, ભસર કોકિ, કડી-ચાવલ, ભી, ચિલ્લો જેવા દુનિયાભરમાં વિખ્યાત સિંધી વ્યંજનોનો આસ્વાદ માણ્યો હતો અને વિવિધ શેફ પાસેથી વ્યંજનોની રેસિપી જાણી હતી. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ફૂડ ફેસ્ટિવલમાં તમામ સ્ટોલ મહિલાઓને આપવામાં આવ્યા હતા જેમણે વિવિધ સિંધી વ્યંજનો બનાવીને રજૂ કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button