સુરતઃ રાંદેર ઝોનમાં કર્તવ્ય બોધ કાર્યક્રમનું આયોજન
રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત કોર્પોરેશન આયોજિત “કર્તવ્ય બોધ” કાર્યક્રમનું ઝોન કક્ષાનું આયોજન રાંદેર ઝોનમાં આવેલી શ્રી નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા ક્રમાંક 159માં કરવામાં આવ્યું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના શૈક્ષણિક સજ્જતા સમિતિના કન્વીનર અને પૂર્વ નગરસેવક વિનોદભાઈ ગજેરા મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમણે ઝોન-1માં સમાવિષ્ટ શાળાના શિક્ષકોને કર્તવ્યનિષ્ઠા અને દેશસેવા બાબતે પોતાના વિચારો જણાવ્યા અને સ્વામી વિવેકાનંદ તથા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન દૃષ્ટાંતો દ્વારા સમાજમાં પોતાનું યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમમાં ઉપસ્થિત રંજનાબેન ગોસ્વામી દ્વારા પણ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરી સૌ શિક્ષકમિત્રોને સમાજ ઉત્થાન કાર્ય માટે સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. અને આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા. યુ.આર.સી. કો – ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ, સી.આર.સી. કો – ઓર્ડીનેટર અમિતભાઈ ટેલર, ડોનિકાબેન ટેલર, શ્રી આશિષભાઈ પટેલ અને સ્નેહલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, સુરત કોર્પોરેશનના અધ્યક્ષ મહેશભાઈ પટેલ અને મહિલા ઉપાધ્યક્ષ સ્નેહલબેન પટેલે પણ કાર્યક્રમમાં હાજર રહી સંગઠનની ગતિવિધિઓથી સૌને વાકેફ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીનાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. શાળા મુખ્યશિક્ષક નર્મદાબેન પટેલ, અંશુમન દેસાઈ અને તરલ પટેલે આનુષંગિક વ્યવસ્થાઓ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું. અંતે સૌ રાષ્ટ્રગીતના ગાન સાથે છૂટા પડ્યા.