ગુજરાતબિઝનેસસુરત

યુવા ઉદ્યોગ સાહસિકો અને એન્જલ ઇન્વેસ્ટરોને સ્ટાર્ટ–અપ માટે મહત્વના માપદંડ વિષેની વિસ્તૃત જાણકારી અપાઇ

એન્જલ ઇન્વેસ્ટરોએ ઓછામાં ઓછા ર૦ જેટલા સ્ટાર્ટ–અપમાં ઇન્વેસ્ટ કરવું જોઇએ અને એમાં ૧પ ટકાથી વધુ શેર રાખવો જોઇએ નહીં : ઉદય સોઢી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૦ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ‘એન્જલ ઇન્વેસ્ટરો સ્ટાર્ટ–અપ માટે પ્રથમ ચેક કેવી રીતે લખશે ?’ વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતાઓ તરીકે ફાઉન્ડર્સ રૂમ કેપિટલના કો–ફાઉન્ડર તેમજ સોની સેટ મેકસના ભૂતપૂર્વ સીઇઓ ઉદય સોઢી, ધી ઇન્ડિયા નેટવર્કના ફાઉન્ડર એન્ડ સીઇઓ તેમજ એનડીટીવી રિટેઇલ અને ફેશન એન્ડ યુ ડોટ કોમના ભૂતપૂર્વ ફાઉન્ડર રાહુલ નાર્વેકર અને યુનિસિન્ક એન્જલ્સ પ્રા.લિ.ના કો–ફાઉન્ડર એન્ડ ડિરેકટર કશ્યપ પંડયાએ એન્જલ ઇન્વેસ્ટરો તેમજ સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોને ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો તથા તેના માપદંડો વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ્સમાં એન્જલ ઇન્વેસ્ટમેન્ટ એ જોખમી દરખાસ્ત છે. કારણ કે સ્ટાર્ટ–અપ્સ નિષ્ફળ થવાની સંભાવના હોય છે, પરંતુ જ્યારે કોઇ સ્ટાર્ટ–અપ સફળ થાય છે ત્યારે એ એન્જલ ઇન્વેસ્ટરોને ત્રણથી પાંચ વર્ષમાં જ ઇન્વેસ્ટમેન્ટના ૮થી ૧પ ગણું વળતર આપી જાય છે. આથી તેમણે સુરતના એન્જલ ઇન્વેસ્ટરોને સ્ટાર્ટ–અપમાં ઇન્વેસ્ટ કરવા માટે અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્ટાર્ટ–અપ સેલ બનાવી સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે પ્રયાસ થઇ રહયો છે. જેના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. ચેમ્બર દ્વારા ગત વર્ષે યોજાયેલા સ્ટાર્ટ–અપ મેળામાં અનોખા ૩૬૦ ડિગ્રી ફરતા સીલિંગ ફેનનું પ્રદર્શન કરાયું હતું અને એના સ્ટાર્ટ–અપ પાસે એની વિશ્વવ્યાપી પેટન્ટ પણ હતી. તેમણે એન્જલ ઇન્વેસ્ટરોને અનુરોધ કર્યો હતો કે, માત્ર રૂપિયા કમાવવાના હેતુથી નહીં પણ આપણા સુરત શહેરમાંથી વૈશ્વિક પેટન્ટેડ પ્રોડક્‌ટનું ઉત્પાદન અને માર્કેટિંગ થાય તેના માટે સહયોગ આપવાના હેતુથી પણ તેઓએ સ્ટાર્ટ–અપનો સંપર્ક કરી ઇન્વેસ્ટ કરવું જોઇએ.

વકતા ઉદય સોઢીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ સ્ટાર્ટ–અપ ભારતમાં છે અને ભારતમાં સૌથી વધુ ગુજરાતમાં સ્ટાર્ટ–અપ છે. સૌથી વધુ ગુજરાતી અને મારવાડી પરિવારો એન્જલ ઇન્વેસ્ટરો છે. તેઓ પરિવારના સભ્યોને રૂપિયા આપીને ધંધો શરૂ કરવા માટે મદદ કરે છે ત્યારે ભણેલા ગણેલા યુવા ઉદ્યોગ સાહસિકોને પણ મદદ કરી શકાય છે. યુવાઓમાં કંઇક કરવાની જીદ હોય તો એ ગમે તે કરી શકે છે. આજના યુવા ઉદ્યોગ સાહસિકો ઘણા મહેનતી છે, શું કરવું જોઇએ ? તેની તેઓને ખબર છે, આથી તેમણે યુવાઓના સ્ટાર્ટ–અપને ઉભા થવા માટે થોડું થોડું રોકાણ કરવા સુરતના ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા માટે એન્જલ ઇન્વેસ્ટરની પોતાની સહમતિ અને વિશ્વાસ હોવો જરૂરી છે. એન્જલ ઇન્વેસ્ટરોએ કયારેય પણ એકાદ બે સ્ટાર્ટ–અપમાં ઇન્વેસ્ટ કરવાને બદલે ઓછામાં ઓછા ર૦ જેટલા સ્ટાર્ટ–અપમાં ઇન્વેસ્ટ કરવું જોઇએ અને એમાં ૧પ ટકાથી વધુ શેર રાખવો જોઇએ નહીં. સ્ટાર્ટ–અપ સફળ થયા બાદ તેમાંથી ૧પ ટકા શેર લઇને એન્જલ ઇન્વેસ્ટરોએ બહાર નીકળી જવું જોઇએ અને ત્યારબાદ અન્ય સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવું જોઇએ. સ્ટાર્ટ–અપ કરનારા યુવા ઉદ્યોગ સાહસિકોએ પણ આ બાબત ધ્યાને લેવાની જરૂર છે કે તેઓએ એન્જલ ઇન્વેસ્ટરોને ૧પ ટકાથી વધુનો શેર આપવો જોઇએ નહીં.

તેમણે કહયું કે, એન્જલ ઇન્વેસ્ટરોએ પોતાની કેપેસિટીના પ ટકાથી વધારે ઇન્વેસ્ટ કરવું જોઇએ નહીં. રાત્રે ઉંઘ નહીં આવે એવું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ. સ્ટાર્ટ–અપ કરનાર ફાઉન્ડર સારો હોય અને સેકટર સારું છે તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઇએ. તેઓએ ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ માટે ઇન્વેસ્ટ કરવું જોઇએ. કયારેક કંપની એક વર્ષમાં બંધ થઇ જાય છે, પરંતુ સ્ટાર્ટ–અપને સફળ થવા માટે ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષનો સમય લાગે છે. જો સ્ટાર્ટ–અપમાં રૂપિયા પ૦ લાખથી એક કરોડ સુધીનું રોકાણ કરો છો તો ૧૦થી ૧પ ટકાનો શેર લઇ શકાય છે તેવી સલાહ તેમણે એન્જલ ઇન્વેસ્ટરોને આપી હતી.

વકતા રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૦ થી ર૦૧૬માં મોબાઇલ ટેકનોલોજીમાં સૌથી વધુ ઇનોવેશન થયા હતા. હવે આગામી ચાર વર્ષમાં જે ઇનોવેશન થવાના છે તે પણ સૌથી વધુ હશે. સમગ્ર વિશ્વ બદલાઇ રહયું છે અને હવે આખા વિશ્વનું માર્કેટ કેપ્ચર કરવા માટે ભારતનો સમય આવી ગયો છે. ભારતમાં ફંડામેન્ટલ લેવલ પર ઘણો બદલાવ થઇ રહયો છે, આથી એન્જલ ઈન્વેસ્ટરોએ કોઇ સ્ટાર્ટ–અપમાં ઇન્વેસ્ટ માત્ર એટલા માટે કરવું જોઇએ કે એનાથી તેઓને કંઇક નવું શીખવા મળી રહયું છે. ઇન્વેસ્ટમેન્ટના બદલે રિટર્ન બાદમાં આવી રહેશે.

વધુમાં તેમણે કહયું કે, એન્જલ ઇન્વેસ્ટરોએ કયારેય પણ સ્ટાર્ટ–અપ ચલાવવાની કોશિષ નહીં કરવી જોઇએ. યુવા ઉદ્યોગ સાહસિકોના ટેલેન્ટ ઉપર વિશ્વાસ મુકીને તેઓને સ્ટાર્ટ–અપ ચલાવવા દેવું જોઇએ. ઉદ્યોગ સાહસિકો તેમજ એન્જલ ઈન્વેસ્ટરોએ એક બાબત એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે, સ્ટાર્ટ–અપ એ કયારેય પ્લાનિંગ પ્રમાણે ચાલતું નથી. એના માટે દરરોજ મુશ્કેલીઓ ઉભી થાય છે અને તેને દૂર કરવા માટે તેના ફાઉન્ડરને દરરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્ટાર્ટ–અપના ફાઉન્ડરમાં હિંમત હશે તો જ એ સ્ટાર્ટ–અપ સફળ થઇ શકે છે. આઇડીયા તો ઘણા હોય છે પણ એને એકઝીકયુશન કરવાની પદ્ધતિ મહત્વની હોય છે.

વકતા કશ્યપ પંડયાએ જણાવ્યું હતું કે, ભારતમાં હાલ ૮૦ હજાર જેટલા સ્ટાર્ટ–અપ્સ છે. એમાંથી ૯૦૦ જેટલા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં છે. હવે સુરતમાં પણ એન્જલ ઇન્વેસ્ટરો રસ લઇ રહયાં છે. એના માટે ગુજરાત સરકારની નોડલ એજન્સીઓ પણ કામ કરી રહી છે. સુરત કેપિટલ ઇન્વેસ્ટર હબ બનવું જોઇએ તેના માટે પ્રયાસ થઇ રહયાં છે. તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ કરનાર ઉદ્યોગ સાહસિકોનો Why કલીયર હોવો જોઇએ. તેઓ શા માટે સ્ટાર્ટ–અપ કરી રહયાં છે તે સ્પષ્ટ હોવું જોઇએ.

આ ઉપરાંત સ્ટાર્ટ–અપ માટે ફંડ ફાળવનારા એન્જલ ઇન્વેસ્ટરોની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી કલીયર હોવી જોઇએ. એટલે કે તેઓ કયા સેકટરને પસંદ કરે છે તે પણ સ્પષ્ટ હોવું જોઇએ. તદુપરાંત આ બધી બાબતોમાંથી તેઓ શું અપેક્ષા રાખે છે ? એ પણ સ્પષ્ટ હોવું જોઇએ. તેમણે કહયું કે, સુરત પાસે ટેક ટેલેન્ટ અવેલેબલ છે. સાથે જ રોકાણ કરી શકે એવા ઉદ્યોગકારો પણ છે.

ઉપરોકત ઇન્ટરેકટીવ સેશનમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ગૃપ ચેરમેનો દીપક શેઠવાલા અને બિજલ જરીવાલા તેમજ ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય હાજર રહયાં હતાં. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટીના એડવાઇઝર તપન જરીવાલાએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલા અને કો–ચેરપર્સન કૃતિકા શાહ તથા એસબીસી કમિટીના ચેરમેન એડવોકેટ પરેશ પારેખે વકતાનો પરિચય આપ્યો હતો. આ સમગ્ર સેશનને સફળ બનાવવા માટે ચેમ્બરની સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન કમિટી, એસજીસીસીઆઇ બિઝનેસ કનેકટ કમિટી અને વુમન આંત્રપ્રિન્યોર સેલે મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ સેશનના આયોજન માટે ટાઇ–સુરતનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button