ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીશ્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન (NMNF)ને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
આ નિર્ણય અનુસાર પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ રૂ.2481 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાંથી રૂ.1584 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.897 કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત 10,000 જૈવિક-ઇનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે, જેથી ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખેડુતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે.
મિશનના લાભોની વાત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઇનપુટ પરની નિર્ભરતા ઘટશે. જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે. આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે, ગ્રામ પંચાયતોના 15,000 ક્લસ્ટર્સ મારફતે 1 કરોડ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના 7.5 લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યાન્વિત થશે.
પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે, જૈવવૈવિધ્યની રક્ષા કરશે અને કૃષિ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થશે.