SIR મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક

સુરત: મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા ચુંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને કલેકટરાલય ખાતે મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
અધિક જિલ્લા ચુંટણી અધિકારીએ સુરત જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકોના મતદાર નોંધણી અધિકારીઓ સાથે વન ટુ વન વિસ્તૃત ચર્ચાઓ કરી, કોઇ તૃટી ન રહી જાય તેની તકેદારી રાખવા સુચનાઓ આપી હતી. મતદારોનું વારંવાર થતું સ્થળાંતર સંદર્ભે ચોકકસ કારણો દર્શાવવા ઉપરાંત મતદારોનું ઓનલાઇન અને ફિઝીકલી મેપિંગની કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા પણ જણાવ્યું હતું. મતદારયાદી સુધારણા સમયે બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારનો સંપર્ક કરવાનો રહેશે, જેથી કોઇ કમી ન રહી જાય તે માટે સુપરવાઇઝરો અને મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને સતત સુપરવિઝન કરવા અધિક જિલ્લા ચુંટણી અધિકારીએ સુચના આપી હતી. બેઠકમાં સોશિયલ મીડિયા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓ (બુથ લેવલ ઓફિસર) ને તાલીમ આપવામાં આવી રહી છે. ફોર્મ વિતરણ, કલેકશનની કામગીરી ઝીણવટપુર્વક કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધી ઘરેથી ઘરે મતદાર ગણતરી સુધારણા કામગીરી થશે. સુરત જિલ્લામાં ૧૬ વિધાનસભા મતદાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ તમામ મતદાર ક્ષેત્રના મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.



