સ્પોર્ટ્સ
83મી સિનિયર નેશનલ અને ઈન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં માનુષનો પરાજય
ગાંધીધામ, 25 એપ્રિલઃ સેમિફાઈનલમાં માનુષ શાહનો પરાજય થવાની સાથે જ સોમવારે 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના પડકારનો પણ અંત આવ્યો હતો.
મેઘાલયના શિલોંગમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં સોમવારે પીએસપીબીના લિજેન્ડરી ખેલાડી અચંતા શરત કમલ સામે માનુષે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને પ્રથમ ગેમ 11-9થી જીતી લીધી હતી. જોકે, શરત કમલે પોતાના વર્ષોના અનુભવના આધારે વળતો પ્રહાર કર્યો હતો અને આગામી બે ગેમ 11-5, 12-10થી જીતી લીધી હતી.
તાજેતરમાં જ ખભાની ઈજામાંથી મુક્ત થયો હોવા છતાં માનુષ શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ચોથી ગેમ જીતીને મેચ બરાબરી પર લાવી દીધી હતી. પરંતુ વડદોરાના આ સ્ટાર ખેલાડી પાસે અનુભવની ઉણપ હતી જેનો ફાયદો શરત કમલને મળ્યો હતો. ભારતના સૌથી અનુભવી ખેલાડી શરત કમલે પાંચમી ગેમ 18-16થી જીતી લીધી હતી અને બાદમાં છઠ્ઠી ગેમ 11-8થી પોતાના નામે કરીને મુકાબલો પણ જીતી લીધો હતો.
જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઈએએસ) એ જણાવ્યું હતું કે, ભારતના લિજેન્ડરી ટેબલ ટેનિસ ખેલાડી સામે માનુષનો મુકાબલો ઘણો પડકારજનક રહ્યો હતો. પરંતુ આ યુવાન ખેલાડીએ તેના પ્રદર્શન દ્વારા અમને ગર્વ અપાવ્યો હતો. મને ખાતરી છે કે આગામી દિવસોમાં માનુષ ઘણી ઊંચાઈઓ સર કરશે. હું તેને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
સુરતના હરમીત દેસાઈને હરિયાણાના સૌમ્યજીત ઘોષ સામે રાઉન્ડ-16માં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તેના પીએસબીએસ ટીમના સાથી ખેલાડી અને સુરતના જ માનવ ઠક્કરને ક્વાર્ટર્સમાં સાથિયાન જ્ઞાનશેખરન સામે 2-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ બંને ખેલાડીઓના બહાર થઈ ગયા બાદ માનુષ એક માત્ર ગુજરાતનો ખેલાડી રહ્યો હતો પરંતુ સોમવારે તેના અભિયાનનો પણ અંત આવ્યો હતો.