Uncategorized

સુરત એરપોર્ટ ખાતે વહેલી તકે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા આઇકલાસના સીઇઓને રજૂઆત કરાઇ

ચેમ્બરના નેજા હેઠળ સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસી દ્વારા કસ્ટમ્સ ખર્ચને પહોંચી વળવા અંગે સરવે કરી એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ સબમિટ કરાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૪ જૂન, ર૦રર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલા, ચેમ્બરની એવીએશન્સ / એરપોર્ટ કમિટીના ચેરમેન અતુલ ગુપ્તા અને એડવાઇઝર મનોજ સિંગાપુરી, આઇકલાસ ( AAI Cargo Logistics and Allied Services Company Limited ) ના સીઇઓ અજય કુમાર ભારદ્વાજ, સુરત એરપોર્ટના ડિરેકટર અમન સૈની, સુરત ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવી તથા ઉત્સવ શાહ, જીજેઇપીસીના રજત વાની, ટેકસટાઇલ સેકટરમાંથી શ્રીકાંત મુંદડા, મેડીકલ સેકટરમાંથી રાહુલ ગાયવાલા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક એર કાર્ગો ટર્મિનલ કાર્યરત છે, પરંતુ જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડાયમંડ, ડાયમંડ મશીનરી, ટેકસટાઇલ, ઝીંગા વિગેરેનું એકસપોર્ટ થઇ રહયું છે તેને જોતા ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલની જરૂરિયાત ઉભી થઇ છે. હાલ વાયા મુંબઇ અને દિલ્હી થઇને વિદેશોમાં એકસપોર્ટ કરવામાં આવી રહયું છે. જો કે, વર્ષના અંત સુધીમાં સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ધમધમતું થઇ જશે તો ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલની જરૂરિયાત હજુ પણ વધી જશે. વળી, અઠવાડિયામાં બે વખત સુરતથી શારજાહ માટે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ છે તથા આગામી સમયમાં સુરતથી દુબઇ, બેંગકોક અને સિંગાપોર માટે ઇન્ટરનેશનલ ફલાઇટ મળવાની શકયતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વહેલી તકે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા માટે આઇકલાસના સીઇઓને રજૂઆત કરવામાં આવી હતી.

આઇકલાસના સીઇઓ અજય કુમાર ભારદ્વાજે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા માટે તેઓને કસ્ટમ્સના ખર્ચનો ઇશ્યુ ઉભો થાય છે અને મહિને આશરે રૂપિયા ૧૦ થી ૧ર લાખનો ખર્ચ થાય છે. જો ઉદ્યોગકારો આ ખર્ચને ઉપાડી શકે તેવી બાંયધરી આપશે તો એરપોર્ટ ઓથોરિટીને ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવામાં કોઇ વાંધો નથી.

આ સંદર્ભે જીજેઇપીસીના રજત વાની અને સુરત ડાયમંડ બુર્સના સીઇઓએ સુરત એરપોર્ટ ખાતેથી એકસપોર્ટ કરવામાં આવતા ડાયમંડના એક પાર્સલ પાછળ તેઓ જો રૂપિયા ૧૦૦ આપશે તો પણ કસ્ટમ્સનો ખર્ચ સરળતાથી નીકળી જશે તેમ આઇકલાસના સીઇઓને જણાવ્યું હતું.

અંતે ચેમ્બરના નેજા હેઠળ સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસી દ્વારા આ મામલે એક સરવે કરવામાં આવશે અને એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી મિટીંગ કરીને સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ શરૂ કરવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ નકકી થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button