ચેમ્બર ઓફ કોમર્સની લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ યુરો ફુડ્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી
મેન્યુફેકચરીંગ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી ચીજવસ્તુઓના પ્રોડકશન અને પેકિંગ સહિતની પ્રક્રિયા વિષે જાણકારી મેળવી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગે શુક્રવાર, તા. ૧૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા યુરો ફુડ્સની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. જેમાં લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલા, કો–ચેરપર્સન ગીતા વઘાસિયા અને સેક્રેટરી પ્લવનમી દવે સહિત ૪૦ જેટલી મહિલા સાહસિકોએ યુરો ફુડ્સના પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેકચરીંગ અને પેકિંગ વિષે જાણકારી મેળવી હતી. યુરો ફુડ્સના સપના સાસપરાએ લેડીઝ વીંગને આવકારી પ્રોડકશન યુનિટની વિઝીટ કરાવી હતી.
ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. યુરો ફુડ્સના યુનિટમાં મુગ દાલ, ચના દાલ, ભાકર વડી, ચીપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગઉવા વિગેરે જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ યુરો ફુડ્સના યુનિટમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિષે મહિલા સાહસિકોએ માહિતી મેળવી હતી.