સ્પોર્ટ્સ
સિનિયર નેશનલ્સ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં લડત બાદ ગુજરાતનો પરાજય
ગાંધીધામ, 20 એપ્રિલઃ શિલોંગ (મેઘાલય) ખાતે ચાલી રહેલી 83મી સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના માનુષ શાહે એકલા હાથે લડત આપી હતી પરંતુ તેની કમાલ પૂરતી રહી ન હતી કેમ કે ગુજરાતની મેન્સ અને વિમેન્સ ટીમનો પ્રિક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો.
ગ્રૂપ તબક્કામાં ગુજરાતે શાનદાર ફોર્મ દાખવીને પંજાબ, કેરળ, આંધ્ર પ્રદેશ અને અરૂણાચ પ્રદેશને 3-0થી હરાવ્યું હતું.
જોકે તેઓ આ ફોર્મને ઉત્તર પ્રદેશ સામેની પ્રિ ક્વાર્ટર ફાઇનલ સુધી જાળવી શક્યા ન હતા. ખભાની ઇજામાંથી સાજા થયા બાદ રમી રહેલા માનુષ શાહે ટીમની આશા જીવંત રાખતાં દિવ્યાંશ શ્રીવાસ્તવ સામેની સિંગલ્સ મેચ (11-8, 6-11, 11-4, 11-9) અને અભિષેક યાદવ સામેની સિંગલ્સ મેચ (11-3, 11-7, 12-10) જીતી લીધી હતી. જોકે ચિત્રાક્ષ ભટ્ટ (બંને મેચમાં પરાજય) અને ઇશાન હિંગોરાણી અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ગુજરાતનો 2-3થી પરાજય થયો હતો.
ગુજરાતની વિમેન્સ ટીમ પણ આવી જ રીતે હારી હતી કેમ કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં તેમનો ટીટીટીએ સામે 1-3થી પરાજય થયો હતો.
સેલવાકુમાર સેલેના દિપ્તી સામે કૌસા ભૈરપૂરેનો 10-12, 9-11, 6-11થી પરાજય થયા બાદ ફ્રેનાઝ છિપીયાએ કૌવશિકા વેંકટેશન સામે 5-11, 11-8, 15-13, 11-9થી વિજય હાંસલ કરીને ટીમ માટે સ્કોર સરભર કર્યો હતો.
જોકે ફિલઝાહ ફાતીમા કાદરીનો નિત્યાશ્રી મણી સામે 9-11, 11-3, 9-11થી પરાજય થતાં ગુજરાતને પીછેહઠ કરવી પડી હતી. અંતે સેલેના દિપ્તી સામે ફ્રેનાઝ 11-4, 6-11, 4-11, 6-11થી હારી જતાં ગુજરાતના પડકારનો અંત આવ્યો હતો.
અગાઉ પ્રારંભિક મેચમાં બંગાળ-એ સામે 1-3થી પરાજય બાદ ગુજરાતને વળતો પ્રહાર કર્યો હતો અને મણીપુર (3-0) તથા આસામ (3-1) સામે વિજય હાંસલ કરીને ગ્રૂપમાં બીજા ક્રમે રહ્યું હતું.