સ્પોર્ટ્સ

સુરત ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’નું ભવ્યાતિભવ્ય સમાપન

નેશનલ ગેમ્સમાં ગુજરાતનું આ સફળ આયોજન જોતા ભારત હવે ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા સક્ષમ: ઉપરાષ્ટ્રપતિ

સુરતઃબુધવાર: ”માત્ર ૩ મહિનામાં નેશનલ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરીને ગુજરાતે પોતાની અપ્રતિમ ક્ષમતા સાબિત કરી છે, એટલે જ ગુજરાતની માટીમાં કઈંક તો છે જેનો પરચો દુનિયાભરને અવારનવાર થતો રહે છે. ગુજરાતનું આ સફળ આયોજન ભારત હવે ઓલિમ્પિક ગેમ્સનું પણ આયોજન કરવા સક્ષમ હોવાની સાબિતી પૂરી પાડે છે” એમ ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડના અધ્યક્ષસ્થાને સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભવ્યાતિભવ્ય સમાપન સમારોહમાં જણાવ્યું હતું.

લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે ૩૯ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૬૩ બ્રોન્ઝ મેડલ હાંસલ કરનાર બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે મહારાષ્ટ્રને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જ્યારે મેન્સ અને વિમેન્સ વિભાગ માટે ઓવરઓલ ઈન્ડિવિડ્યુઅલ ટ્રોફીઓ એનાયત કરાઈ હતી. જેમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે ૫ ગોલ્ડ અને ૫ બ્રોન્ઝ મેડલ જીતનાર હર્ષિતા રામચંદ્ર અને ૫ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રેષ્ઠ પુરૂષ ખેલાડી તરીકે સાજન પ્રકાશને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

ઉપરાંત, સૌથી વધુ ૬૧ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ રાજા ભલિન્દ્ર સિંહના સન્માન આપવામાં આવતી ભારતીય ઓલમ્પિક સંઘ ટ્રોફી ‘સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ’ને એનાયત કરવામાં આવી હતી. સાથોસાથ ભારતીય ઓલિમ્પિક સંઘના સેક્રેટરી જનરલ  રાજીવ મહેતાએ આગામી નેશનલ ગેમ્સના યજમાન ગોવાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત ગોવાના રમતગમત મંત્રી ગોવિંદ ગૌડેને યજમાની માટે ભારતીય ઓલિમ્પિક સંઘનો ધ્વજ અર્પણ કર્યો હતો.

આ ગૌરવશાળી સમારોહમાં સહભાગી થઈને હું અભિભૂત થયો છું એમ જણાવતા ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, આજનો દિવસ મારા માટે અવિસ્મરણીય બની રહેશે. નેશનલ ગેમ્સ યુવા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું ઉમદા પ્લેટફોર્મ બની રહેશે. દેશના વિકાસની ગંગા સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પણ વહી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ અને શાસનની કાર્યક્ષમતા સાબિત કરી છે, ૨૦ કરોડ  ઉજ્જ્વલા ગેસ કનેક્શન, ૪૦ કરોડ નાગરિકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડાણ તેમજ ધારા ૩૭૦ની ઐતિહાસિક નાબૂદી એ તેનું જ્વલંત ઉદાહરણ છે એમ જણાવી વડાપ્રધાનએ પ્રત્યેક ભારતીયને ભારતીયતાનું ગૌરવ અપાવ્યું હોવાનું ઉમેર્યું હતું.

સ્પોર્ટ્સમેન સ્પિરીટ એ રમતગમતની આગવી ભાવના છે, જે રમતવીરોને અન્ય કરતા અલગ પાડે છે એમ જણાવી  ધનખડે રમતગમતમાં જીત અને હારને ક્યારેય આખરી ન માનતા સતત આગળ વધવા, લક્ષ્યને આંબવાની મક્કમતાને વળગી રહેવા અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button