બિઝનેસ

આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા જુનાગામમાં શાળાના મકાન બાંધકામ માટે સહાય કરશે

ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે 8 વર્ગખંડ, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ ઓફિસ, લાયબ્રેરી અને અન્ય સુવિધાઓથી સુસજજ શાળાના મકાનની શિલારોપણ વિધી કરી

સુરત: સુરતમાં હજીરા નજીક આવેલા પ્લાન્ટ નજીક વસતા સમુદાયના વિકાસ અને શિક્ષણ અંગેની  કટિબધ્ધતાના ઉદ્દેશથી આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા ના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ/એનએસ ઈન્ડીયા) હજીરા નજીક જુનાગામમાં શાળાના મકાન બાંધકામ માટે સહાય કરી રહી છે.

શનિવારે હાલમાં આવેલા મકાનની નજીકમાં જ નવચેતન ઈન્ટરનેશનલ ઈંગલીશ મિડીયમ સ્કૂલના મકાનની શિલારોપણ વિધી ચોર્યાસી બેઠકના ભાજપના ધારાસભ્ય ઝંખનાબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે એએમ\એનએસ ઈન્ડીયાના માનવસંસાધન અને ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ  અનિલ મટૂ તથા કંપનીના કોર્પોરેટ બાબતોના હેડ  દિપક શાહ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે ઝંખનાબેન પટેલે જણાવ્યુ હતું કે “આ પ્રયાસમાં સહયોગ આપવા બદલ હું એએમ\એનએસ ઈન્ડીયાનો નિષ્ઠાપૂર્વક આભાર માનુ છું. આ વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આ પ્રયાસ દૂરગામી અસર કરશે.”

મટૂ એ જણાવ્યુ હતું કે “અમે સ્થાનિક સમુદાય માટે કટિબધ્ધ છીએ અને  અહીં વિકાસલક્ષી કોઈ પણ પ્રયાસમાં સહયોગ આપતાં આનંદ અનુભવીએ છીએ. શાળામાં પૂરતા વર્ગખંડ નહી હોવાથી અમને જૂનાગામ અને નવચેતન વિકાસ મંડળ તરફથી  પૂરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તે માટે સ્કૂલના મકાન બાંધકામમાં સહાય માટે વિનંતી મળી હતી. અમે આ દરખાસ્તનુ મૂલ્યાંકન કરીને સ્થાનિક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે  સહયોગ પૂરો પાડયો છે.

સ્કૂલના નવા મકાનમાં 8 વર્ગખંડ, સ્ટાફ ઓફિસ, કોમ્પયુટર લેબ, લાયબ્રેરી, સેનિટેશન સુવિધા  તથા અન્ય સગવડોનો સમાવેશ કરાશે.

નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલ આ વિસ્તારની એક માત્ર  અંગ્રેજી માધ્યમની શાળા છે અને તેમાં હજીરા, જૂનાગામ, દામકા, મોરા, વાસવા, ભાટલાઈ, સુવાલી, કવાસ,  અને રાજગીરી  ગામના કુલ 455 વિદ્યાર્થીઓ ભણે છે. આ શાળાની ફી આ વિસ્તારમાં સૌથી ઓછી છે અને એએમ\એનએસ ઈન્ડીયાના કર્મચારીઓનાં ઘણાં સંતાનો પણ આ શાળામાં અભ્યાસ કરે છે.

આ શાળા પાસે બારમા ધોરણ સુધીના વર્ગો ચલાવવાની મંજૂરી છે પણ તેની પાસે વધુ વિદ્યાર્થી સમાવી શકાય તે માટે પૂરતા વર્ગખંડ કે માળખાકીય સુવિધાઓ નથી. કેટલાક વર્ગો હૉલમાં અને ખુલ્લામાં ચલાવાય છે. આથી યોગ્ય શિક્ષણ માટે અને વધુ વિદ્યાર્થીઓને સમાવી શકાય તે માટે વધારાના વર્ગખંડની તાતી જરૂર હતી. ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડામાં શાળાના હયાત મકાનને નુકશાન થયુ હતું.

નવચેતન વિકાસ મંડળના પ્રમુખ અને જુનાગામના સરપંચ  ભગુભાઈ પટેલ જણાવે છે કે “નવા મકાનને કારણે અમે વધુ વિદ્યાર્થીઓને સમાવી શકીશું. મજબૂત માળખાકીય સુવિધાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ વિસ્તારમાં શિક્ષણનુ સ્તર સુધારવાની પ્રેરણા મળશે”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button