અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણના સમર્પિત પ્રયાસો બદલ ‘વનપંડિત એવોર્ડ’ એનાયત
1,70,000થી વધુ વૃક્ષારોપણ કર્યું, રાજ્યમાં પ્રથમ એવોર્ડ વિજેતા
અમદાવાદ: અદાણી ફાઉન્ડેશનને રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો વાવવા બદલ વનપંડિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વનપંડિત એવોર્ડ આપવામાં આવ્યો છે. અદાણી ફાઉન્ડેશન 1,70,000 થી વધુ રોપાઓનું વાવેતર કરીને રાજ્યમાં પ્રથમ ઇનામ વિજેતા બન્યું છે. 2022-23 માટે અદાણી ફાઉન્ડેશનની ઉત્કૃષ્ટ વનીકરણ કામગીરીને ગુજરાત સરકાર દ્વારા બિર દાવામાં આવી છે.
પર્યાવરણ પ્રત્યેની સમર્પિત પ્રતિબદ્ધતાને સાર્થક કરતા અદાણી ફાઉન્ડેશને પર્યાવરણ સંરક્ષણ મામલે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુરૂવારે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ”જનેતાના નામે એક-એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા ધરતી માતાને હરિયાળી બનાવીએ. આ વર્ષે માર્ચ સુધીમાં ગુજરાત રાજ્યનું 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક છે.”
વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત મુંદ્રા તાલુકાના ધાર્મિક સ્થળો, શાળા-પ્રાંગણો જેવા જાહેરસ્થાનો પર 5૦,૦૦૦ જેટલા વૃક્ષોના વાવેતરથી થઈ હતી. 2020-2021માં નાના કપાયા ખાતે લોકભાગીદારીથી અનોખી યોજનાની શરૂઆત થઈ, જેમાં ઔષધીયગુણો ધરાવતી 4૦ જેટલી પ્રજાતિઓના 6૦૦૦ વૃક્ષો વાવીને ઘનિષ્ઠ જંગલ બનાવવામાં સફળતા મેળવી. પ્રકૃતિપ્રેમના આ કાર્યને આગળ ધપાવતા ફાઉન્ડેશન દ્વારા 57૦૦૦ નવા વૃક્ષોના વાવેતરનું કાર્ય ચાલી રહ્યું છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં પણ તેના ઉછેરની જવાબદારીનું કામ પણ ચાલી રહ્યું છે. 2૦22માં મોટી ભુજપુર ખાતે 25,૦૦૦ વૃક્ષોની ત્રણ વર્ષ માટે સારસંભાળની સંપૂર્ણ વ્યવસ્થા સોંપવામાં આવી હતી. ગ્રામજનોએ પણ આ ભગીરથકાર્યમાં જોડાઈ પાણી, વીજળી અને જમીન પૂરી પાડીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ત્રણ વર્ષની માવજતના નિયમથી આ વૃક્ષો માત્ર 1 વર્ષમાં જ 15 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા થઈ ગયા છે.
અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ.ગઢવી જણાવે છે કે ” છેલ્લા 28 વર્ષથી પર્યાવરણ અને સમાજના ઉત્કર્ષ માટે અદાણી ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે. વનઉછેર અને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની અમારી પહેલ મીઠી જમીનની સમૃદ્ધિ અને ગ્રામીણો માટે નવું અસ્તિત્વ લાવે છે. આ સફળતા ટીમના સમર્પણ અને લોકભાગીદારીનું પરિણામ છે. અમે તેને ઉત્તરોત્તર આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ”
મુંદ્રા તાલુકામાં વનવિભાગના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિરથ શરૂ કરવામાં આવ્યોં છે. જેમાં લોકોના ઘર સુધી 5૦,૦૦૦ જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતો ને 21૦૦૦ ખારેક અને આંબાના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણના ઉમદા પ્રયાસોના પરિણામે અંદાજે 4૦૦૦ મેટ્રિક ટનથી વધુ કાર્બન સ્થાપન અને જૈવવિવિધતાના સ્થાયિત્વને પણ મજબૂતી મળી છે.
માંડવી-મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવે છે કે, “અદાણી ફાઉન્ડેશનની વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટેની સફળતા અસાધારણ છે.”
વીસરી માતા ટ્રસ્ટના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ” અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીએ આ જમીનને નવો જીવ આપ્યો છે.” તો સાંદીપની હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કરશનભાઇ જણાવે છે કે “કચ્છમાં આ પહેલી હાઇસ્કૂલ છે જ્યાં 25,૦૦૦ થી વધુ વૃક્ષો લહેરાય છે, જે અદાણી ફાઉન્ડેશનની મહેનતનું પરિણામ છે.” દેશલપર કંઠીના સીમાડામાં પણ 1૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવીને અભૂતપૂર્વક કાર્ય થયું છે.