સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ
યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે : ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે.
શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથજી ઉપસ્થિત રહયા હતા. જ્યારે સાંજુ પ્રિન્ટ્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર સાંવર રામ કુમાર બુધિયા અને કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી ૯ર યાર્ન ઉત્પાદકોએ ભાગ લીધો છે ત્યારે યાર્ન એક્ષ્પોથી ચોક્કસ નવા પરિમાણો પ્રાપ્ત થશે તેની મને ખાત્રી છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવા સંકલ્પ લીધો છે. વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના માટે વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપી શકે તેમ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એ વિશ્વમાં તમારી ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે. ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી જ સાકાર થશે. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં બેસ્ટ ટેકનોલોજી અને બેસ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે.
તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ સિનારીયો ઉદ્યોગ સાહસિકો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ કાપડની ખપત ૧૦૪ મિલિયન મેટ્રીક ટન છે, જેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનનો વધારો થવાની સંભાવના છે. મેન મેઇડ ફાયબરનો હિસ્સો ૭૮ મિલિયન મેટ્રીક ટનનો છે, જે ૧૦૬ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચવાની સંભાવના છે. મેન મેઇડ ફેબ્રિકમાં પોલિએસ્ટરની વાત કરીએ તો એની ખપત અત્યારે પ૮ મિલિયન મેટ્રીક ટન છે, જે ૮૧ મિલિયન મેટ્રીક ટન સુધી જવાની સંભાવના છે. જ્યારે અન્ય મેન મેઇડ ફેબ્રિકમાં વિસ્કોસ અને નાયલોનની ખપતમાં ર૦થી રપ મિલિયન મેટ્રીક ટન સુધીના ગ્રોથની સંભાવના છે.
હાલમાં વૈશ્વિક જનસંખ્યા ૭.૭ બિલિયન છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં અંદાજે ૮.પ બિલિયન થઈ શકે છે. વૈશ્વિક માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૧૪.૩ કિ.ગ્રા. છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૧૬.૬ કિ.ગ્રા. થવાની સંભાવના છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૬ કિ.ગ્રા. છે. તેમણે કહયું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનની જે ગ્રોથ દેખાઇ રહી છે એને પહોંચી વળવા માટે પોલિએસ્ટરમાં ર૩ મિલિયન મેટ્રીક ટનની ગ્રોથ લાવવી પડશે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો માટે આ સોનેરી તક છે, જેને ઉદ્યોગકારોએ ઝડપવી જોઇએ અને એમાં ખૂબ ઝડપથી આગળ વધવું જોઇએ. ઉદ્યોગકારોએ સુરત બ્રાન્ડ બનાવવી પડશે. ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મેન મેઇડ ફેબ્રિકમાં જ જવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યાર્ન એક્ષ્પોની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભેચ્છા આપી હતી.
યાર્ન એક્ષ્પો– ર૦ર૪ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને પોલિએસ્ટર યાર્નની ખપત ૧.પ લાખ મેટ્રીક ટન થાય છે. દર મહિને કોટનની ખપત ૩૦૦૦ મેટ્રીક ટન છે. નાયલોન યાર્નની ખપત વર્ષ ર૦૦૯માં ૩૦૦૦ મેટ્રીક ટન હતી, જે આજે વધીને ૯૦૦૦ મેટ્રીક ટન થઇ ગઇ છે. વિસ્કોસ ફિલામેન્ટની ખપત દર મહિને ૧ર૦૦૦ મેટ્રીક ટન થઇ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૯૦૦ કરોડનું યાર્ન સુરતથી એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ યાર્ન એક્ષ્પોના ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, યાર્ન એક્ષ્પોના કો–ચેરમેનો ઉમેશ ક્રિષ્ણાની, કિરણ ઠુમ્મર, અશોક રાઠી અને શ્રી પ્રફુલ્લ શાહ તથા ચેમ્બરના પૂર્વ ચેરમેનો નિલેશ માંડલેવાલા, રૂપીન પચ્ચીગર, શ્રી અમરનાથ ડોરા, આશીષ ગુજરાતી અને હિમાંશુ બોડાવાલા તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણી , એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.