હેલ્થ

ચેમ્બરના લેડીઝ વીંગ દ્વારા ‘કેર ટુ કયોર યોર હેલ્થ જર્ની’વિશે સેમિનાર યોજાયો

નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલા સાહસિકોને શારીરિક કાળજી રાખવા ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને પીસીઓડી અંગેની જાણકારી અપાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ત્યુલીપ હેલ્થ કેર સેન્ટરના સહયોગથી ગુરૂવાર, તા. પ ઓકટોબર, ર૦ર૩ના રોજ બપોરે ૩:૩૦ કલાકે ઘોડદોડ રોડ સ્થિત ત્યુલીપ હેલ્થ કેર સેન્ટર ખાતે ‘કેર ટુ કયોર યોર હેલ્થ જર્ની’વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ડો. પ્રણવ શાહ અને ડો. ડિમ્પલ છતવાણી દ્વારા લેડીઝ વીંગની મહિલા સાહસિકોને આરોગ્ય સંબંધિત કાળજી રાખવા ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને પીસીઓડી અંગે જાણકારી આપવામાં આવી હતી.

ડો. પ્રણવ શાહે મહિલાઓને હાલના દોડધામભર્યા જીવનમાં પોતાની અને પરિવારના સભ્યોની શારીરિક કાળજી કેવી રીતે લેવી તે વિશે સમજણ આપી હતી. સાથે જ તેમણે મહિલા સાહસિકોને સોશિયલ મીડિયાના વિવિધ એપ્લિકેશન્સ પર આવતા આરોગ્ય સંબંધિત વીડિયો અને મેસેજમાં બતાવેલા ઉપચારને અનુસરવાને બદલે માત્ર ડોકટરનો જ સંપર્ક કરવાની સલાહ આપી હતી. તેમણે વિવિધ તબીબી પરીક્ષણો અંગે પણ માહિતી આપી હતી.

ડો. ડિમ્પલ છતવાણીએ મહિલા સંબંધિત વિવિધ બીમારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહયું હતું કે, મહિલાઓએ પોતાના ઘર અને ઓફિસની સાથે પોતાની પણ કાળજી લેવાની છે. યોગ્ય કાળજી ન લઈએ તો બીમારી મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલમાં અનેક મહિલાઓને થતાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર અને પીસીઓડી જેવી ગંભીર બીમારીઓથી બચવા માટે તેમણે જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વાઇસ ચેરપર્સન ગીતા વઘાસિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. એડવાઈઝર રોમાબેન પટેલે વકતા ડો. પ્રણવ શાહનો પરિચય આપ્યો હતો અને સભ્ય તસ્નીમ ડોકટરે ડો. ડિમ્પલ સતવાણીનો પરિચય આપ્યો હતો. જ્યારે લેડીઝ વીંગના સેક્રેટરી પ્લવનમી દવેએ સમગ્ર સેમિનારનું સંચાલન કર્યુ હતું. વકતાઓએ મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button