સુરત: રામપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ દ્વારા સિંગણપોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે ‘વિશ્વ તમાકુ નિષેધ’ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં અર્થાત ‘તમાકુ ઉદ્યોગોની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું’ને આધારે શેરી નાટક ભજવવામાં આવ્યું હતું. શેરી નાટકના માધ્યમથી તમાકુ સેવનની આડઅસર, અટકાયત તેમજ તેની સારવાર અને પોષકતત્વો સાથેના આહાર વિષે લોકોને માહિતગાર કરાયા હતા. સાથે જ તમાકુના સેવનથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજવા, અટકાવવા અને પૂર્ણ નિદાન, ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોથી બચવા વૈજ્ઞાનિક તથ્યો આધારિત પોસ્ટરોનું પ્રદર્શન કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે બાળકોના તબીબ અને એડોલસન્સ હેલ્થ સોસાયટી,સુરતના સેક્રેટરી ડૉ.કેયુરી શાહે જણાવ્યુ હતું કે, બાળકો આવી કુટેવોના સૌથી પહેલા શિકાર બને છે. જે માટે સમાજમાં ફેલાયેલા તમાકુ સેવનના દુષણને નાથવા બાળકો સહિત વયસ્કોમાં જાગૃતતા જરૂરી છે. તમાકુ સેવનથી થતી જીવલેણ બિમારી વિષે જણાવી તેમણે બાળકોને કુસંગત અને કુટેવોથી દૂર રાખી ‘તંદુરસ્ત બાળકથી તંદુરસ્ત સમાજના નિર્માણ’ માટે લોકોને પ્રોત્સાહ આપ્યું હતું.
આ પ્રસંગે નર્સિંગ ઇન્સ્ટીટયુટના આચાર્યશ્રી કિરણ દોમડીયાએ જણાવ્યું હતુ કે, જુદા જુદા સ્વરૂપે થતા તમાકુ અને તમાકુજન્ય પદાર્થોના સેવનને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોમાં વૃદ્ધિ થાય છે. તમાકુની વિવિધ જાહેરાતોને કારણે બાળકોના અપરિપક્વ માનસ પર વિપરીત અસર પડે છે અને તેઓ ખોટી રીતે આકર્ષાય છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના માધ્યમથી લોકોમાં જનજાગૃતિ લાવી સમાજ અને દેશને શિક્ષિત બનાવી તંદુરસ્ત વિશ્વનું નિર્માણનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ કાર્યક્રમમાં સિંગણપોર હેલ્થ સેન્ટરના આર.એમ.ઓ ડો.અલ્પના નંદેશ્વર અને મેડિકલ ઓફિસર ડો.જિજ્ઞેશ પટેલ, ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ, કોમ્યુનિટી નર્સિંગ વિભાગના પ્રોફેસર ભૂમિકા ચૌધરી, દર્દીઓ અને તેમના પરિજનો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.