બિઝનેસસુરત

મુંબઇ સ્થિત IMC અને IBG એ  SGCCIના મિશન ૮૪માં જોડાવા ઉત્સાહપૂર્વક તૈયારી દર્શાવી

SGCCI અને IBG વચ્ચે વ્યાવસાયિક વિચારોની આપ – લે માટે સમજૂતિ કરાર થયો

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાની આગેવાનીમાં માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા મિશન ૮૪ના કન્વીનર સંજય પંજાબી અને પ્રોજેકટ હેડ પરેશ ભટ્ટ સહિતના પ્રતિનિધિઓએ શુક્રવાર, તા. ર૯ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ મુંબઇ ખાતે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન બિઝનેસ ગૃપ ચેમ્બર ઓફ કોમર્સ– મુંબઇના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ, IBG (ઇન્ડિયન બિઝનેસ ગૃપ ચેમ્બર ઓફ કોમર્સ)– મુંબઇના સંસ્થાપક અને પ્રમુખ વિકાસ મિત્તરસેન તેમજ સીઇઓ પ્રિયા પાનસરે તથા IMC (ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)– મુંબઇના ડેપ્યુટી ડિરેકટર જનરલ સંજય મહેતા અને શિતલ કાલરો સમક્ષ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા હેતુ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી એક્ષ્પોર્ટ વધારવા આ પ્રોજેકટના મહત્વ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.

IBGના તથા IMCના હોદ્દેદારો, ચેમ્બર પ્રમુખની મિશન ૮૪ અંગેની રજૂઆત સાંભળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓએ પોતે પણ આખા પ્રોજેકટ અંગેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી હતી અને મિશન ૮૪માં જોડાવા ઉત્સાહપૂર્વક તૈયારી દર્શાવી હતી. ચેમ્બર પ્રમુખે IBGના તથા IMCના હોદ્દેદારોને પ્રતિનિધિ મંડળ લઇને સુરત આવવા આમંત્રણ આપ્યું હતું અને તેઓએ પણ ચેમ્બર પ્રમુખને સુરતથી ઉદ્યોગકારોના ડેલીગેશનને મુંબઇ લાવવા આમંત્રણ આપ્યું હતું.

IBG અને IMCના હોદ્દેદારોએ તેઓના ઉદ્યોગકાર સભ્યોને પણ મિશન ૮૪માં જોડવા માટેની તૈયારી બતાવી હતી. સાથે જ તેઓના સભ્યો અને SGCCIના સભ્યો પોતાના ઉદ્યોગ – ધંધાને વધુ ડેવલપ કરી શકે તે માટે પોતપોતાના અનુભવો એકબીજાને પરસ્પર વ્યકત કરવા માટે વિચાર ગોષ્ઠી ગોઠવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી. મિશન ૮૪ અંતર્ગત નજીકના દિવસોમાં જ આ વિચાર ગોષ્ઠી ગોઠવવા તેઓ સંમત પણ થયા હતા.

આ ઉપરાંત ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેપ્યુટી ડિરેકટર જનરલ સંજય મહેતાએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકાર સભ્યોને મિશન ૮૪ને સાકાર કરવા માટે મુંબઇ ખાતે IMCની પ્રિમાઇસિસનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો, જે અંગે ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ તેઓનો આભાર પણ વ્યકત કર્યો હતો.

વધુમાં મિશન ૮૪ અંતર્ગત SGCCI અને IBG વચ્ચે વ્યાવસાયિક વિચારોની આપ – લે માટે સમજૂતિ કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતિ કરાર પર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા અને ઇન્ડિયન બિઝનેસ ગૃપના સંસ્થાપક તેમજ પ્રમુખ વિકાસ મિત્તરસેને હસ્તાક્ષર કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button