સુરત: તા.૨૪ મી મે, ૧૭૯૩નો એ દિવસ, જયારે એક ફ્રેન્ચ ફિઝિશીયન ફિલીપ પીનેલે પોતાની જવાબદારી પર મેન્ટલ એસાયલમમાં વર્ષોથી સાંકળે બંધાયેલા માનસિક રોગીઓને સાંકળોમાંથી છુટા કરવાનો આદેશ આપ્યો. માનસિક રોગીઓ માટેની સારવારમાં આ એક અત્યંત માનવતાવાદી પગલું હતું. જો કે આ પછી પણ માનસિક રોગીઓને મેન્ટલ હોસ્પિટલોમાં જ રખાયા. છેક ૧૯૭૦-૮૦ સુધી ૧૯૫૨માં સૌ પ્રથમ ક્લોરપ્રોમાઝાઇન નામની એન્ટીસાયકોટીક દવાની શોધે આ મેન્ટલ હોસ્પિટલમાંથી પણ આ દર્દીઓને મુક્તિ અપાવી.
છેલ્લા કેટલાંક વર્ષોથી દુનિયાભરમાં વિશ્વ સ્કિઝોફેનિયા અથવા મનોવિભ્રમનો આ રોગ ખરેખર ગંભીર અને લાંબો ચાલતો રોગ છે. એકાએક કે ધીમે ધીમે આગળ વધતો આ રોગ, વ્યક્તિને એના મનને એવો ગ્રસી લે છે કે એને પોતાને આ વિશે કોઇ સભાનતા રહેતી નથી. એ પોતાના ભ્રમ-વિભ્રમમાં નિજી દુનિયામાં, ખોટા પાયા વિનાના ખ્યાલોમાં મનઘડંત વિચારોમાં એવો રાચે છે કે આસપાસના લોકોને થોડા વખત પછી એનાં વાણી-વર્તન બદલાય ત્યારે જ ખ્યાલ આવે છે કે કંઇ અજુગતું અને અજીબ વર્તન થઈ રહ્યું છે. પહેલા અજ્ઞાન અને પછી અંધશ્રદ્ધા આ માનસિક રોગીને હોસ્પિટલ કે મનોવૈજ્ઞાનિક સુધી પહોંચાડવામાં દિવસો નહીં વર્ષો લગાડે છે. અને ત્યાં સુધીમાં તો રોગ એટલો આગલા વધી ગયો હોય છે કે મગજના નુકસાનને પાછું લાવવું લગભગ અશકય હોય છે.
સ્કિઝોફેનિયા એક મગજના રસાયણોના અસંતુલન અને મગજના ચેતાતંતુઓની પરસ્પર સંદેશાવ્યવહારમાં થતી ખામીને કારણે સર્જાતો રોગ છે. શરીરે સાજોનરવો માણસ કામ ન કરે, પોતાની દરકાર ન કરે, શંકા-કુશંકા કરે, ગુસ્સો કે મારામારી કરે, બબડે કે એકલો હસે, સ્વસંભાળ ન રાખે, રખડયા કરે, કચરો વીણે આવા કંઇ કેટલાય લક્ષણો દેખાય. વર્ષો સુધી ચાલતો આ રોગ ઘણીવાર કુટુંબ માટે અસહ્ય બની જાય છે. વ્યક્તિ રસ્તે રઝળતો પણ થઈ જાય છે. પરંતુ આજે પચાસ વર્ષોની દવાઓના સંશોધનની મજલમાં આ રોગ માટે ૨૫ થી ૩૦ દવાઓ ઉપલબ્ધ બની છે, જે દર્દીને મદદરૂપ થઈ શકે છે. રોગ પકડાય અને એની સારવાર થાય તો મટી પણ શકે છે. રોગ ન મટે તો પણ એને કાબુમાં રાખી શકાય છે.
આ રોગ ગમે તે ઉંમરે ગમે તેને થઇ શકે છે. પણ, તરૂણાવસ્થા અને યુવાવસ્થાના આરંભે આ રોગ થવાની શક્યતા વધારે છે. નોકરી, વ્યવસાય, પરિવાર, સમાજ જેવા જીવનના અગત્યના ક્ષેત્રોમાંથી દર્દીની પીછેહઠ થતી જાય છે. વળી દર્દીને ખુદને ખબર નથી હોતી કે તે આ રોગનો શિકાર છે. આ રોગ અંગે સાચી જાણકારી ફેલાવવાના હેતુથી દર વર્ષે તા.૨૪ મેનો દિવસ વર્લ્ડ સ્કિઝોફેનિયા ડે તરીકે ઉજવાય છે.
નવી સિવિલ દ્વારા દર વર્ષે યોજાય છે સ્કિઝોફેનિયા જાગૃત્તિ કેમ્પ
ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર માટે કાયમી દવા લેવાની જરૂર પડે છે, એ જ પ્રમાણે આ રોગની સારવાર પણ કાયમી લેવી જરૂરી બને છે. સમાજ તથા લોકો સુધી આ રોગની સમજ પહોંચે, આધુનિક સારવાર શક્ય છે તેમજ યોગ્ય સારવાર, હુંફ અને કાઉન્સેલિંગથી મટી શકે છે એ વાત સૌ સુધી પહોંચે એ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માનસિક રોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત દ્વારા ઓપીડી-૧૩, સેમિનાર રૂમમાં આ રોગ વિશે માહિતી અને જાગૃતિ માટે માનસિક રોગ તબીબો દ્વારા તા.૨૪મીએ સવારે ૧૧.૦૦ વાગ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવા દર્દીઓ તેમજ દર્દીઓના પરિજનોને લાભ લેવા નવી સિવિલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.