અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
સુરત: શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરએ જણાવ્યુ હતું કે, લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ, કોર્પોરેટર કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.