કેન્દ્રીય સંચાર બ્યૂરો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા યોગ શિબિરનું આયોજન
9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
સચિન : ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે કનકપુરમાં પણ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત હિંદી અને ઉડિયા પ્રાથમિક શાળામાં બાળકો અને વાલીઓએ ઉત્સાહભેર યોગ શિબિરમાં ભાગ લીધો હતો.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, સુરત તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને (આર સી સી) રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, સચિન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કનકપુર હિંદી/ઉડિયા પ્રાથમિક શાળામાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
“વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ”ની થીમ પર આયોજિત આ શિબિરમાં હિંદી, ઉડિયા અને ગુજરાતી શાળાનાં બાળકો તેમજ તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના બાળકો માટેનાં યોગ પ્રોટોકોલ કાર્યક્રમનું સંચાલન બાળ યોગ ગુરુ દ્વારા કરવામાં આવ્યુ હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
યોગ પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામનાં અભ્યાસ કર્યા બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા પણ લીધી હતી. કાર્યક્રમમાં સહભાગી દરેક વિદ્યાર્થીને કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
બી આર સી, ચોર્યાસી, પરેશભાઈ ટંડેલ, હિંદી, ઉડિયા અને ગુજરાતી શાળાનાં આચાર્ય તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, સચિનના પ્રમુખ પ્રકાશભાઈ ભાવસાર તેમજ તેમની ટીમના મોહનલાલ સોની, સુરેશભાઈ પીછોલિયાએ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે તિથિભોજન બાદ કાર્યક્રમનું સમાપન થયુ હતું.
યોગ શિબિરની પ્રસ્તાવના ક્ષેત્રિય પ્રચાર અઘિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ અને સંચાલન પ્રકાશભાઈ ભાવસારે કર્યુ હતું.