સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સિન્થેટિકસ એન્ડ રેયોન ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૧ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઓન સાઇટ એક્ષ્પોર્ટ માર્કેટ મોબિલાઇઝેશન, સેન્સીટાઇઝેશન એન્ડ ટ્રેઇનીંગ પ્રોગ્રામ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે અમદાવાદના ગ્લોબલ નેટવર્કના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ એન્ડ મેન્ટર ડો. જગત શાહે ઉદ્યોગ સાહસિકો તેમજ નિર્યાતકારોને ગ્લોબલી માર્કેટમાં વિવિધ પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું વિઝન રાખ્યું છે અને તેને ધ્યાને લઇને દેશના ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ વધારવા માટે હાંકલ કરી છે. ભારતના કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં ટેક્ષ્ટાઇલ્સના એક્ષ્પોર્ટને ૧૦૦ બિલિયન ડોલર સુધી લઇ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે સુરતના ટેક્ષ્ટાઇલ્સ ઉદ્યોગકારો અને નિર્યાતકારોને એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં મહત્વના પ્રયાસ કરવા પડશે. એના માટે ઉદ્યોગ સાહસિકો અને નિર્યાતકારોને યોગ્ય દિશાદિર્નેશ મળી રહે તે માટે ચેમ્બર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
એસઆરટીઇપીસીના ચેરમેન ધીરજ શાહે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટ માટે હવે મેન મેઇડ ફાયબર ભારત તથા ગ્લોબલ માર્કેટનું ભવિષ્ય છે. એમએમએફનું પ્રોડકશન અને કન્ઝમ્પ્શન સતત વધી રહયું છે અને એની ગ્લોબલી ડિમાન્ડ વધી રહી છે ત્યારે નિર્યાતકારોને પણ વિશ્વના જુદા–જુદા માર્કેટોમાં વિવિધ પ્રોડકટ્સ માટે એક્ષ્પોર્ટની શકયતાઓ તપાસવી પડશે.
વકતા ડો. જગત શાહે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ કરવા માટે બે બાબતો જરૂરી છે. જેમાં પ૦ ટકા પ્રિપરેશન અને પ૦ ટકા માર્કેટનો સમાવેશ થાય છે. એક્ષ્પોર્ટના બિઝનેસમાં નિર્યાતકારો જેટલું પોતાનું નોલેજ વધારશે તેટલો બિઝનેસ વધશે. વિશ્વભરમાં ભારતીયો સિવાય અન્ય કોઇ સારા ઉદ્યોગ સાહસિકો નથી. ભારતના ઉદ્યોગ સાહસિકો ઇચ્છે તો એક્ષ્પોર્ટના માર્કેટમાં તેઓ આગામી રપ વર્ષનું પ્લાનિંગ કરી શકે છે. એના માટે ઉદ્યોગ સાહસિકોએ ડિઝાઇન થિન્કીંગ, ફેશન ફોર કાસ્ટીંગ ઉપર ફોકસ કરી વિચારવાની સલાહ તેમણે આપી હતી.
તેમણે ઉદ્યોગ સાહસિકો તેમજ નિર્યાતકારોને ઘણું બધું નહીં પણ અન્યો કરતા માત્ર એક પ્રોડકટમાં કંઇક જુદું કરવાની સલાહ આપી હતી. એના માટે કેસ સ્ટડી ઘણી મહત્વની હોય છે, આથી તેમણે વિશ્વના જુદા–જુદા દેશોમાં રહેતા લોકોની જરૂરિયાતો વિષે સંશોધન કરીને તે દિશામાં કવોલિટી પ્રોડકટનું ઉત્પાદન અને તેના માર્કેટીંગ થકી એક્ષ્પોર્ટ કરવાની પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી. તેમણે આ બાબતની વિવિધ દાખલાઓ થકી ઉદ્યોગ સાહસિકો તેમજ નિર્યાતકારોને સમજણ આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદેશમાં જે બાયર્સને પ્રોડકટ એક્ષ્પોર્ટ કરાય છે તેને પોતાના બિઝનેસમાં ૧૦થી ર૦ ટકાનો રોકાણ કરવાનો આગ્રહ કરી પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરાવી શકાય છે. જેથી એ વિદેશી બાયર્સ સાથે લાંબા સમય સુધી બિઝનેસ કરી શકાશે. તેમણે નિર્યાતકારોને જુદી–જુદી વેબસાઇટની માહિતી આપી જણાવ્યું હતું કે, પ્રોડકટ ગમે તે હોય પણ નોલેજ લેશો અને પ્રિપરેશન કરશો તો ચોકકસપણે બિઝનેસ મળશે. એના માટે તેમણે નિર્યાતકારોને કોઇ પણ પાંચ દેશોને સિલેકટ કરીને પ્રોડકટનો અભ્યાસ કરી એક્ષ્પોર્ટ કરવાની સલાહ આપી હતી. વિદેશી બાયર્સનો તેમણે લીન્કડીનથી જ કોન્ટેકટ કરવાની સલાહ નિર્યાતકારોને આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા તથા ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલ પણ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની ગવર્નમેન્ટ સ્કીમ્સ કમિટીના ચેરમેન રાજીવ કપાસિયાવાલાએ સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.
એસઆરટીઇપીસીના મુંબઇના એડિશનલ ડાયરેકટર કે. બરૂઆએ નિર્યાતકારોને એસઆરટીઇપીસીની વિવિધ સુવિધાઓ વિષે માહિતી આપી હતી અને એસઆરટીઇપીસીના રિજીયોનલ ડાયરેકટર જી. કે. સહાયએ વકતાનો પરિચય આપ્યો હતો. વકતા ડો. જગત શાહે ઉદ્યોગ સાહસિકો તેમજ નિર્યાતકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.