
સુરત: સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરત અને કમિશનર શાળાઓની કચેરી-ગાંધીનગર સ્કૂલ- PMU (પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ)ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને એલ.પી. સવાણી એકેડેમી-વેસુ ખાતે વર્કશોપ યોજાયો હતો.
વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમના વિચારોને વાસ્તવિક વ્યવસાયમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવા માટે આયોજિત આ વર્કશોપમાં SSIP તેમજ સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને સહાય વિષે સમજ અપાઈ હતી. વિદ્યાર્થીઓએ તેમના ઇનોવેટિવ પ્રોજેક્ટસ પર મંથન કર્યું હતું. ઇનોવેશનના વ્યાવસાયિક પાસાઓ સમજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રક્રિયાઓને જાણી હતી. SSIP ૨.૦ ના વેબપોર્ટલ પર પ્રોજેક્ટ રજિસ્ટર કરવા માટે પણ માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે નોડલ અધિકારી અને શિક્ષણ નિરીક્ષક ડૉ. સંગીતાબેન મિસ્ત્રી, અંકિતભાઈ ઠાકોર, સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ એડ્વાઈઝર-સ્કૂલ- PMUSchool દિક્ષિત પ્રજાપતિ, સ્ટેટ SSIP કોઓર્ડિનેટર સહિત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
.
SSIP ૨.૦ – વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાને પ્લેટફોર્મ આપતી રાજ્ય સરકારની પહેલ
રાજ્ય સરકાર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી-SSIP ૨.૦ હેઠળ ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ આઇડિયાને વિકસાવવા માટે શાળાકક્ષાએ રૂ,૨૦,૦૦૦ ની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ સહાયથી વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રોજેક્ટને વધુ પ્રયોગશીલ બનાવી શકે અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ કરી શકે છે. SSIP ૨.૦ દ્વારા રાજ્યની શાળાઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની સંસ્કૃતિ વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે હોવાનું તજજ્ઞ વક્તાઓએ જણાવ્યું હતું.
.
SSIP ૨.૦: ગુજરાતના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ માટે ઉમદા તક:
રાજ્યના ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે પ્રોત્સાહન
૧૦,૦૦૦ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે સહાય
૧,૫૦૦ વિદ્યાર્થી-સ્ટાર્ટઅપની માવજત અને ઉન્નતિ
₹૧૦ લાખ સુધીના સ્ટાર્ટઅપ સીડ સપોર્ટ માટે ૫૦૦ સ્ટાર્ટઅપને સહાય