ચોર્યાસી તાલુકાના ભાટિયા ખાતે રૂ.૩.૩૫ કરોડના ખર્ચે કેનાલ રોડનું ખાતમુહૂર્ત
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર અને સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિ

સુરત: શુક્રવાર: ચોર્યાસી તાલુકા ભાટિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના કેનાલ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું
આ પ્રસંગે અનાવિલ પાટીદાર હોલ, ભાટિયા ખાતે આયોજિત સમારોહમાં ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સેંકડો વિકાસના કામો પારદર્શક અને યોગ્ય રીતે થઈ રહ્યા છે. રાજ્ય સરકાર નાનામાં નાના માણસના હિતોને ધ્યાનમાં રાખીને કાર્યરત છે અને તે સતત ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. સરકાર દ્વારા ચોર્યાસી અને બારડોલી તાલુકાના તમામ ગામોમાં માર્ગ વ્યવસ્થા, આરોગ્ય, શિક્ષણ જેવી તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી છે.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભાટીયા કેનાલ સીધી ચલથાણ સુધી નીકળે છે, કેનાલ આસપાસ રોડની માંગણી આજે પૂર્ણ થઈ છે, જે અંતર્ગત વન, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા રૂ. ૩.૩૫ કરોડના ખર્ચે કેનાલ રોડ માટેની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, આસપાસના સ્ટ્રક્ચર કામો માટે રૂ.૫ કરોડ ફાળવ્યા છે એમ જણાવી સરકાર દ્વારા હાથ ધરાયેલા અનેકવિધ વિકાસકામોની વિગતો આપી હતી,
આ પ્રસંગે જિ.પં.ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, સિંચાઈ સમિતિના ચેરમેન નિલેશ તડવી, ચોર્યાસી તા.પં.પ્રમુખ તૃપ્તિબેન પટેલ, પલસાણા તા.પં. પ્રમુખ યોગેશભાઈ પટેલ, સિંચાઈના અધિક્ષક ઈજનેર એસ.બી.દેશમુખ, નાયબ કાર્યપાલક ઈજનેર પ્રેરણા રાજપૂત, કાર્યપાલક ઈજનેર એસ.ઝેડ.પટેલ, કાર્યપાલક ઈજનેર એસ.કે.ગરાસિયા, અધિક મદદનીશ ઈજનેર મહેશ ગાહિલ, મદદનીશ ઈજનેર ઈશા મહેતા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.