ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ વરસાદ વરસ્યો
ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના ૧૬ રસ્તાઓ બંધ કરાયા
સુરતઃ ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ૧૪ ઈચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન ચાર ઈચ તથા ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા દરમિયાન ૧૦ ઈચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના ૧૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
જયારે ઓલપાડ તાલુકામાં સવારના ૬.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન ૩ મી.મી., માંગરોળ તાલુકામાં ૧૭ મી.મી., માંડવીમાં છ, કામરેજમાં ચાર, બારડોલીમાં ત્રણ, મહુવામાં પાંચ, કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડયા હતા. આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સીઝનનો કુલ ૧૦૦૮ મી.મી. એટલે કે, ૪૦ ઈચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એક થી બીજા ગામને જોડતા ૧૬ રસ્તાઓ ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી, શરદા થી નવી વસાહત રોડ, શામપુરથી ઉમરઝર, બલાલકુવાથી વહાર, ઉમરઝર સરવણ ફોકડી થી નવાગામ તુંડી, પાડા એપ્રોચ રોડ, ચિતલદા સ્મશાનથી ગોડલીયા, ચંદ્રપાડાથી ગોપાલીયા, વેલાવી ખરેડીપાડા, બિલવનથી હલધરી જયારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ, કોલખડી અને અંધારવાડી લીમ્દા રસ્તાઓ, ગોડધા લાડકુવા, મોરીઠા થી કાલિબેલ રેગામા, ગોડસંબા કરવલ્લી ટીટોાઇ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા. જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર.એન.બી. પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે.