બિઝનેસસુરત

મોરોક્કોમાં ચેમ્બરે રચ્યો ઇતિહાસ: AMITH અને IMCCI સાથે બે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર (MoU) સંપન્ન

દક્ષિણ ગુજરાતના ટેક્સ્ટાઈલ સહિતના ઉદ્યોગો માટે ઉત્તર આફ્રિકાના બજારોમાં નિકાસ તેમજ મૂડીરોકાણની નવી ક્ષિતિજો ખુલશે: SGCCI પ્રમુખ અશોક જીરાવાલા

સુરત : મોરોક્કોના કાસાબ્લાન્કા ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘MIM 2026’ (Maroc in Mode) તેમજ ‘ચોથા મોરોક્કો ઇન્ટરનેશનલ યાર્ન એન્ડ ફેબ્રિક સોર્સિંગ શો 2026’ના ઐતિહાસિક મંચ પર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સુરત તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત માટે બે અત્યંત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યા છે. ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈની સંયુક્ત આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે મોરોક્કોના અગ્રણી ઔદ્યોગિક સંગઠનો સાથે આ વ્યૂહાત્મક કરારો સંપન્ન કર્યા હતા. આ ઐતિહાસિક ક્ષણે સુરતથી ઉપસ્થિત રહેલા ડેલિગેશનના તમામ અગ્રણી ઉદ્યોગસાહસિકો હાજર રહ્યા હતા.

મોરોક્કોના ટેક્સ્ટાઈલ સંગઠન AMITH સાથે 5 વર્ષનો કરાર

ચેમ્બર દ્વારા મોરોક્કોના ટેક્સ્ટાઈલ એન્ડ ક્લોથિંગ ઉદ્યોગના સર્વોચ્ચ સંગઠન ‘એસોસિએશન મેરોકેન દેસ ઇન્ડસ્ટ્રીઝ દુ ટેક્સ્ટાઈલ એટ દ લ’હેબિલેમેન્ટ’ (AMITH) સાથે દ્વિપક્ષીય MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. AMITH વતી પ્રમુખ  અનસ અલ અન્સારી અને SGCCI વતી પ્રમુખ  અશોક જીરાવાલાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી કરારની મુખ્ય વિશેષતાઓ

સંયુક્ત સમિતિ: ટેક્સ્ટાઈલ અને ક્લોથિંગ ક્ષેત્ર માટે બંને સંસ્થાઓ વચ્ચે એક જોઈન્ટ કમિટીની રચના કરવામાં આવશે, જે વર્ષમાં ઓછામાં ઓછી એક વાર બેઠક યોજી બંને દેશોના વેપાર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

ટેકનિકલ અને કસ્ટમ્સ સહયોગ: બંને દેશોના કાપડ ઉત્પાદકોને નડતી કસ્ટમ્સ પ્રક્રિયાઓ, નિયમો અને રૂલ્સ ઓફ ઓરિજિન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવા સંયુક્ત સંવાદ હાથ ધરાશે.

રોકાણને પ્રોત્સાહન: મોરોક્કોના સ્પિનિંગ, વીવિંગ, નીટિંગ, ડાઇંગ અને ફિનિશિંગ જેવા અપસ્ટ્રીમ ટેક્સ્ટાઈલ સેક્ટરમાં સુરત અને ભારતીય ઉદ્યોગસાહસિકોના મૂડીરોકાણ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરાશે.

પ્રદર્શનોનું પરસ્પર પ્રમોશન: મોરોક્કોના ‘MIM’ પ્રદર્શનમાં સુરતના સભ્યોને ભાગ લેવા પ્રેરિત કરાશે, જ્યારે સુરતમાં યોજાતા ચેમ્બરના ટેક્સ્ટાઈલ પ્રદર્શનોનું મોરોક્કોના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે AMITH દ્વારા પ્રમોશન કરવામાં આવશે. આ કરાર 5 વર્ષની મુદત માટે અમલી રહેશે.

ઇન્ડિયા મોરોક્કો ચેમ્બર (IMCCI) સાથે વ્યાપક સંસ્થાકીય સહયોગ

બીજા મહત્વના કરાર અંતર્ગત SGCCI અને ‘ઇન્ડિયા મોરોક્કો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (IMCCI) વચ્ચે સંસ્થાકીય સહયોગ માટેનો MoU સંપન્ન થયો હતો. IMCCI વતી પ્રમુખ  કોલિન નેભવાણી અને SGCCI વતી પ્રમુખ  અશોક જીરાવાલાએ આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU અંતર્ગત માત્ર ટેક્સ્ટાઈલ જ નહીં, પરંતુ MSME એકમો, રિન્યુએબલ એનર્જી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ, તેમજ સુરતના પ્રખ્યાત જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર વચ્ચે વ્યાપારિક અને ટેકનોલોજીકલ આદાન-પ્રદાનને વેગ આપવામાં આવશે. બંને સંસ્થાઓ દ્વારા દ્વિપક્ષીય બિઝનેસ ડેલિગેશન્સ, B2B મીટિંગ્સ અને માર્કેટ ઇન્ટેલિજન્સનું આદાન-પ્રદાન સુનિશ્ચિત કરવામાં આવશે.

સુરત માટે વૈશ્વિક બજારોના નવાં દ્વાર ખૂલ્યાં: પ્રમુખ અશોક જીરાવાલા

આ ઐતિહાસિક સિદ્ધિ અંગે હર્ષ વ્યક્ત કરતાં SGCCIના પ્રમુખ  અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “મોરોક્કો એ યુરોપ અને આફ્રિકાના વિશાળ બજારોનું પ્રવેશદ્વાર છે. AMITH અને IMCCI સાથેના આ કરારોથી સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક કક્ષાએ સીધું માર્કેટ એક્સેસ મળશે. આપણા ફેબ્રિક્સ, યાર્ન અને ગાર્મેન્ટ એક્સેસરીઝની નિકાસ વધવાની સાથે મોરોક્કોમાં ભારતીય મૂડીરોકાણ માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર થયું છે. ચેમ્બર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ગ્લોબલ પ્લેયર્સ બનાવવા માટે હંમેશા કટિબદ્ધ છે.”

દ્વિપક્ષીય વેપારને મળશે નવી ગતિ: ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈ

આ પ્રસંગે SGCCIના ઉપપ્રમુખ  રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ બંને MoU ભારત અને મોરોક્કો વચ્ચે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. સુરત પાસે વિશ્વકક્ષાનું મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને મોરોક્કો યુરોપિયન બજારો માટે મોટું સોર્સિંગ હબ છે. આ વ્યૂહાત્મક જોડાણથી આપણા MSME ઉત્પાદકો, યાર્ન-ફેબ્રિક સપ્લાયર્સ અને એપરલ સેક્ટરને નવાં નિકાસ બજારો મળશે, જેનાથી બંને પ્રદેશો વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત રોકાણોને મોટો વેગ મળશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button