સુરતના 65થી વધુ પ્રાચીન જિનાલયોમાં એકસાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવની ઉજવણી
65થી વધુ મંડળો, 70થી વધુ ગ્રુપ અને 1500થી વધુ પ્રભુભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિ અને કલાત્મકતાનો અનોખો સંગમ

સુરત: જૈન ધર્મની ભક્તિ, શ્રદ્ધા અને કલાત્મકતાના અનોખા સંગમ સમાન ભવ્ય સ્નાત્ર મહોત્સવની આજે સુરતના ગોપીપુરા, નાણાવટ, નવાપુરા, હરિપુરા, સગરામપુરા અને રાંદેર સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં 65થી વધુ પ્રાચીન જિનાલયોમાં એકસાથે યોજાયેલા આ મહોત્સવમાં 65થી વધુ મંડળો અને 70થી વધુ વિવિધ ગ્રુપના સભ્યો સહિત 1500થી વધુ પ્રભુભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહોત્સવનું મુખ્ય આકર્ષણ વિવિધ થીમ આધારિત કલાત્મક છાબ રહી હતી. ભગવાનના પંચ કલ્યાણક, ગોપીપુરાનાં પ્રાચીન જિનાલયોની કલાત્મક રચનાઓ, અષ્ટપ્રાતિહાર્ય તેમજ પવિત્ર શત્રુંજય ગિરિરાજની પ્રતિકૃતિ સહિતની વિવિધ થીમને સુંદર રીતે સાકાર કરવામાં આવી હતી. વિવિધ મંડળોના સભ્યોએ ઘરે જ તૈયાર કરેલા નૈવેદ્યને આકર્ષક રીતે સજાવી વિશિષ્ટ છાબ તૈયાર કરી હતી અને ભક્તિભાવપૂર્વક પ્રભુજીને અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભક્તો પરંપરાગત વસ્ત્રો અને વિશેષ ડ્રેસ કોડમાં સજ્જ થઈ મહોત્સવમાં જોડાયા હતા. વિવિધ જિનાલયોમાં છાબ અર્પણ કરી સ્નાત્ર મહોત્સવની ધાર્મિક વિધિ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક મહોત્સવનો લાભ શાંતાબેન વેલજીભાઈ મણિયાર પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.
સુરતનાં પ્રાચીન જિનાલયોમાં એકસાથે યોજાયેલા આ ભવ્ય આયોજનમાં જૈન સમાજની એકતા, સંસ્કૃતિ, કલાત્મકતા અને પ્રભુભક્તિની સુંદર ઝલક જોવા મળી હતી.



